<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

OPEC+ ફરી વખત ક્રૂડ ઓઈલના ઉત્પાદન વધારશે :દૈનિક 1.88 લાખ બેરલ ઉત્પાદન વધારવા સહમતી : ભાવમાં લાગશે લગામ

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ બંધ થવાથી ખાડી દેશોમાં ક્રુડ ઓઈલના સપ્લાઈને મોટી અસર થઈ

ક્રુડ ઓઈલના ઉત્પાદક ગ્રુપ OPEC+ ફરી એક વખત તેના ઉત્પાદનમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ગ્રુપના સભ્ય દેશો વચ્ચે આશરે 1.88 લાખ બેરલ પ્રતિ દિવસ (BPD) ઉત્પાદન વધારવા માટે સહમતિ થઈ શકે છે. આ સતત ત્રીજો મહિનો હશે કે જ્યારે આ ગ્રુપ સપ્લાઈને વધારવાની જાહેરાત કરશે.

જોકે આ નિર્ણય જોવામાં ખૂબ જ મહત્વનો લાગે છે પણ તેની અત્યારે મર્યાદિત અસર થશે. તેની પાછળ અમેરિકા-ઈરાન યુદ્ધ તથા હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ કારણરૂપ છે. જ્યાં સુધી સમુદ્રી માર્ગ ખુલ્લો નહીં મુકાય ત્યા સુધી આ વધારાનું ઉત્પાદન બજારમાં આવી શકશે નહીં અને તેનો ફાયદો પણ મળશે નહીં.

રવિવારે આ ગ્રુપમાં સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, અલ્જીરિયા, કઝાકિસ્તાન, રશિયા તથા ઓમાન જેવા સાત દેશ સામેલ થશે. જોકે યુનાઈટેડ આરબ અમિરાત ગ્રુપમાંથી બહાર થવા છતાં OPEC+ તેના ઉત્પાદનમાં વધારો કરવાની વ્યૂહરચના પર અડગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધ અને હોર્મુઝ બંધ થવાથી ખાડી દેશોમાં ક્રુડ ઓઈલના સપ્લાઈને મોટી અસર થઈ છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત અને UAE જેવા મોટા ઉત્પાદક દેશોની નિકાસને વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે.

વિશ્વમાં ક્રુડ ઓઈલના પુરવઠાને અસર થવાથી કિંમતોમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. આ સપ્તાહે ક્રુડ ઓઈલની કિંમત 125 ડોલર પ્રતી બેરલ સુધી પહોંચી ગઈ હતી. જે છેલ્લા ચાર વર્ષની ઊંચી સપાટી છે. આ સ્થિતિમાં હવે વિશ્વમાં મોંઘવારી માઝા મુકી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે હોર્મુઝ ફરીથી ખુલશે તો પણ સપ્લાઈ સામાન્ય થતા વાર લાગી શકે છે. માટે ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય ફક્ત પ્રતિકાત્મક જ લાગે છે.

 

(10:46 PM IST)