News of Thursday, 30th April 2026
ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું ભારતીય સેના લાંબા યુધ્ધ માટે સજ્જ હતી
પાકિસ્તાન પર ભારતના મહાપ્રહાર પાછળનું મોટું રહસ્ય ખુલ્યું: પરમાણુ ધમકીઓ વચ્ચે પણ સેના લાંબા યુદ્ધ માટે તૈયાર હતી અને આતંકવાદના રાજકીય મૂળિયાં ઉખેડી ફેંકવા કટિબદ્ધ છેઃ રાજનાથ સિંહે આપી ચેતવણી પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના નવ મથકોને સ્મશાનમાં ફેરવી દીધાઃ ઓપરેશન રોકવું એ અમારી નબળાઈ નહીં પણ વ્યૂહાત્મક સ્વેચ્છા હતી

નવી દિલ્હી, તા.૩૦: રક્ષામંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા સમિટમાં ઓપરેશન સિંદૂર ને લઈને એવા રહસ્યો ખોલ્યા છે જેનાથી પાડોશી દેશમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ૨૦૨૫ના એ ભયાનક પહેલગામ હુમલા બાદ જ્યારે ભારતીય સેના સીમા પાર ત્રાટકી, ત્યારે ભારત માત્ર ૭૨ કલાકના સંઘર્ષ માટે નહીં પણ મહિનાઓ સુધી ચાલનારા મહાયુદ્ધ માટે સ* થઈને મેદાનમાં ઉતર્યું હતું. પાકિસ્તાન તરફથી વારંવાર આપવામાં આવતી પરમાણુ હુમલાની ધમકીઓને ભારતે કચરાપેટીમાં નાખી દીધી હતી. રાજનાથ સિંહે કટાક્ષ કરતા કહ્યું કે, આજની દુનિયામાં ભારત આઈટી હબ તરીકે ગૌરવ મેળવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદની નર્સરી તરીકે કુખ્યાત બન્યું છે.
૭ મે ૨૦૨૫ના રોજ શરૂ થયેલા આ ઓપરેશન પાછળનો હેતુ માત્ર બદલો લેવાનો જ નહોતો, પરંતુ આતંકવાદના રાજકીય અને વૈચારિક મૂળિયાં હચમચાવી દેવાનો હતો. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોના નવ જેટલા લોન્ચિંગ પેડ્સ પર ભારતે એવો કહેર વરસાવ્યો હતો કે ૧૦૦થી વધુ આતંકવાદીઓ ઠાર થયા હતા. રક્ષામંત્રીએ મોટો ખુલાસો કર્યો કે જ્યારે ૧૦ મેના રોજ યુદ્ધવિરામ થયો, ત્યારે તે ભારતની કોઈ મજબૂરી નહોતી, પરંતુ ભારત પોતાની શરતો પર આ ઓપરેશન પૂરું કરવા માંગતું હતું. પીએમ મોદીની ઝીરો ટોલરન્સ નીતિને કારણે આજે ભારતીય સેના શાંતિકાળમાં પણ યુદ્ધ જેવી તત્પરતા સાથે તૈયાર છે, જે કોઈપણ સમયે દુશ્મનને પાઠ ભણાવવા સક્ષમ છે.
ભારતે આ કાર્યવાહી દ્વારા વિશ્વને સાબિત કરી દીધું છે કે હવે તે માત્ર નિવેદનો આપનારો દેશ નથી, પણ ઘરમાં ઘૂસીને મારનારો દેશ છે. રાજનાથ સિંહે આતંકવાદની સરખામણી રાવણની નાભિ સાથે કરતા કહ્યું કે જ્યાં સુધી આ આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી મળતું રાજકીય કવચ નહીં હટે, ત્યાં સુધી ભારત ચૂપ બેસશે નહીં. સેનાની વધતી તાકાત અને સ્વદેશી હથિયારોના દમ પર ભારતે એ સ્પષ્ટ કરી દીધું છે કે પરમાણુ ધમકીઓ હવે ભારતને ડરાવી શકશે નહીં. આ ઓપરેશન એક વળાંક સમાન હતું, જેણે સાબિત કર્યું કે ભારત પોતાની સીમાઓની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
