News of Monday, 16th November 2026
ગુજરાતમાં પણ વિપક્ષના ફોન ટેપિંગઃ અમિતભાઈ ચાવડાની સનસનાટી
દેશભરમાં રાજકીય પરિવર્તનનો પ્રારંભ ગુજરાતથી થશેઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ‘અકિલા'ની મુલાકાતેઃ કોંગ્રેસના નેતાઓની આઈ.બી.થી માંડીને વિવિધ તંત્ર દ્વારા જાસૂસીઃ આટલી જાસૂસી ડ્રગ્સ-દારૂ માફિયાની કરી હોત તો ગુજરાત નશામુક્ત બની ગયું હોતઃ આમ આદમી પાર્ટી ભાજપ માટે જ લડે છેઃ ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા શંકાસ્પદઃ સરકારથી લોકો જ નહિ, ભાજપના નેતાઓ પણ નારાજઃ શંકરસિંહ તથા કોંગ્રેસના પૂર્વ નેતાઓને કોંગ્રેસ આવકારશે

અમિતભાઇ ચાવડા ‘અકિલા'ના આંગણે : ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા તથા રાજકોટ કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ ઝાલા, વરિષ્ઠ નેતા મહેશભાઇ રાજપુત, શિક્ષણવિદ્ નિદત બારોટ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૬: રાજકોટ ખાતે ‘‘અકિલા'' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, વહીવટી તંત્રની કાર્યશૈલી અને આગામી ચૂંટણીઓને લઈને અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકશાહીના મૂલ્યો પર તરાપ મારવામાં આવી રહી છે અને વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગ કરવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના અગ્રણી નેતાઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોની આઈ.બી.થી માંડીને સરકારના વિવિધ તંત્ર દ્વારા સતત જાસૂસી કરવામાં આવી રહી છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર ફોન ટેપિંગનો આક્ષેપ કરતા સરકાર હલબલી ગઇ હતી. ગુજરાતમાં પણ વિપક્ષ ફોન ટેપિંગ અંગે પરેશાન છે.
શ્રી ચાવડાએ કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે સરકારે જેટલી શક્તિ વિપક્ષના નેતાઓની જાસૂસી પાછળ લગાવી છે, જો આટલી જ જાસૂસી અને તકેદારી રાજ્યમાં ફેલાયેલા ડ્રગ્સ અને દારૂના માફિયાઓ પર રાખી હોત, તો આજે ગુજરાત સંપૂર્ણપણે નશામુક્ત બની ગયું હોત અને રાજ્યની યુવા પેઢી નશાના દૂષણથી બચી ગઈ હોત.
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠાથી લઈને નાના-મોટા શહેરો અને ગામડાઓ સુધી ડ્રગ્સ અને દારૂનું નેટવર્ક ફેલાઈ ચૂકયું છે. કોંગ્રેસ પક્ષનું માનવું છે કે સરકારી તંત્રની રહેમનજર વિના આટલા મોટા પાયે નશાનો કારોબાર ચાલી શકે નહીં, અને તેથી જ કોંગ્રેસ દ્વારા નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે વિધાનસભાથી લઈને જનતાની વચ્ચે સુધી જનજાગળતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વધી રહેલી ગુન્હાખોરી અંગે પણ અમિતભાઈએ ગળહમંત્રી અને મુખ્યમંત્રીની ઝાટકણી કાઢી હતી.
તેમણે રાજ્યની ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે મતદાર યાદીમાં થતી ગેરરીતિઓ, સરકારી મશીનરીનો દુરુપયોગ અને વહીવટી તંત્ર પરના દબાણને કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શંકાસ્પદ બની છે. લોકશાહીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી જનતાનો મૂળભૂત અધિકાર હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસનું બૂથ લેવલનું તંત્ર અને લીગલ ટીમ આ તમામ બાબતો પર ચાંપતી નજર રાખી રહી છે.
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી ની ભૂમિકા અંગે અમિતભાઈ ચાવડાએ સ્પષ્ટ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીની રાજનીતિને સમજી ચૂકી છે. કોંગ્રેસ પક્ષનું અવલોકન છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા અને વિપક્ષના મતોનું વિભાજન કરવા માટે જ ચૂંટણી લડે છે. જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોય છે, ત્યાં શાસક પક્ષનો રસ્તો સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આગામી ચૂંટણીમાં મતદારો આ રમતને ઓળખી જશે.
આ ઉપરાંત, શાસક પક્ષની આંતરિક સ્થિતિ અંગે અમિતભાઈએ દાવો કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિઓથી માત્ર સામાન્ય જનતા, ખેડૂતો, યુવાનો કે વેપારીઓ જ નારાજ નથી, પરંતુ ખુદ ભાજપના જ પાયાના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓમાં પણ ભારે અસંતોષ અને નારાજગી પ્રવર્તી રહી છે. સત્તાના કેન્દ્રીકરણ અને બહારથી આવેલા નેતાઓને અપાતા મહત્વને કારણે ભાજપના જૂના કાર્યકરો પોતાની જાતને ઉપેક્ષિત અનુભવી રહ્યા છે.
આગામી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે વાત કરતા અમિતભાઈ ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી દિલ્હીથી લઈને દેશભરમાં અને સોશિયલ મીડિયા પર ‘‘જેન ઝી'' પેઢીમાં સમયની સાથે વલણ બદલાઈ રહ્યું છે. યુવા વર્ગમાં કોંગ્રેસ તરફી સર્જાયેલો આ જુવાળ સ્પષ્ટપણે શાસન પલટાનો સંકેત આપી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૭ની ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તનનો માત્ર સામાન્ય પવન નહીં, પરંતુ પરિવર્તનનું મોટું વાવાઝોડું ફૂંકાશે અને જનતા શાસન પલટો કરશે. દેશના રાજકીય પરિવર્તનની શરુઆત ગુજરાતથી થશે.
ચૂંટણીને હજુ સમય બાકી હોવા છતાં કોંગ્રેસે હાલથી જ તડામાર અને રણનીતિગત તૈયારીઓ આરંભી દીધી છે, જે અંતર્ગત પક્ષ દ્વારા ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો ઉપર લોકપ્રિય તથા સક્ષમ ચહેરાઓને મેદાને ઉતારવામાં આવશે. તેમજ ભણેલા-ગણેલા અને ઉત્સાહી યુવાનોને આગળ લાવીને તેમને નેતળત્વ અને ચૂંટણી લડવાની વિશેષ તક પૂરી પાડી સંગઠન તથા ઇલેક્શન મેનેજમેન્ટને વધુ પાવરફુલ બનાવવામાં આવશે.
પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વનો સંકેત આપતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એ એક વિચારધારા છે.
ભૂતકાળમાં કોઈ કારણોસર, મતભેદથી કે સંજોગોવશાત પક્ષ છોડીને ગયેલા શંકરસિંહ વાઘેલા સહિતના તમામ પૂર્વ નેતાઓ અને કાર્યકરો જો કોંગ્રેસની વિચારધારાને સ્વીકારીને, કોઈ પણ શરત વિના જનતાના હિતમાં સાથે કામ કરવા માંગતા હોય, તો કોંગ્રેસ પક્ષ તેમનું ખુલ્લા દિલે સ્વાગત અને આવકાર કરશે. ભાજપના શાસન સામે લડવા માટે સમાન વિચારધારા ધરાવતા તમામ લોકોને એક મંચ પર લાવવાનો કોંગ્રેસનો પ્રયાસ રહેશે તેવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.

યુવા પેઢીમાં ભાજપી શાસન સામે તીવ્ર રોષઃ નિદત બારોટ યુવા મતદારો સરકારને ઉથલાવશે
કોંગ્રેસના અગ્રણી નેતા અને શિક્ષણવિદ્ ડો. નિદત બારોટે રાજ્ય અને દેશના યુવા વર્ગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન શાસનમાં શિક્ષિત અને મહેનતુ યુવાનો માટે યોગ્ય તકોનો સખત અભાવ જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં બેકારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
નિદત બારોટના જણાવ્યા અનુસાર, સરકારી તંત્રમાં ભ્રષ્ટ અને લાગવગ ધરાવતા તત્વોને આગળ વધવાની તક મળે છે, જ્યારે લાયકાત ધરાવતો સામાન્ય યુવા વર્ગ પોતાની જાતને શોષિત અને ઉપેક્ષિત અનુભવી રહ્યો છે. આ અન્યાય સામે આજની યુવા પેઢીમાં ભાજપી શાસન વિરુદ્ધ તીવ્ર રોષ અને આક્રોશ ફેલાયો છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે ગુજરાત સહિત સમગ્ર દેશનો યુવા વર્ગ આ અન્યાયનો હિસાબ ચૂકતે કરશે અને આગામી સમયમાં શાસક પક્ષને આકરો પાઠ ભણાવશે.
તકલાદી વિકાસના પોપડાં ખરવા લાગ્યાઃ રાજદીપસિંહ કોંગ્રેસે બનાવેલો બ્રીજ હજુ અડીખમ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજદીપસિંહ ઝાલાએ રાજ્ય અને શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવતા શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભાજપના શાસનમાં થયેલા તકલાદી વિકાસના પોપડાં હવે ખરવા લાગ્યા છે.
રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન વર્ષો પહેલા બનાવવામાં આવેલા બ્રીજ અને બાંધકામો આજે પણ અડીખમ ઉભા છે, જ્યારે ભાજપ દ્વારા બનાવવામાં આવેલા નવેનવા બ્રીજના પોપડા થોડા જ સમયમાં ખરવા લાગ્યા છે, જે બાંધકામમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ભ્રષ્ટ છે અને કોઈ પણ દુર્ઘટના કે કૌભાંડ સામે આવે ત્યારે માત્ર તપાસના નાટક કરવામાં આવે છે. રાજકોટના અગ્નિકાંડથી માંડીને રાજ્યમાં બનેલા વિવિધ કાંડોમાં આજદિન સુધી જવાબદારો સામે કોઈ નક્કર કે દાખલારૂપ પગલાં લેવાયા નથી. જનતાના પરસેવાના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી નબળી ગુણવત્તાના કામો કરનાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરતા તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ગુજરાતમાં દીકરા પણ સલામત રહ્યા નથીઃ મહેશભાઇ રાજપૂત ટ્રાફિક, નશાખોરી, ગુંડાગીરીથી બચવું અઘરૂં બન્યું છે
ગુજરાતમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મહેશભાઈ રાજપૂતે મુલાકાતમાં જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન ગંભીર હતો, પરંતુ હવે તો દીકરાઓ પણ સલામત રહ્યા નથી. રાજ્યના શહેરો અને ગામડાઓમાં બેફામ બનેલો ટ્રાફિક, ખુલ્લેઆમ વેચાતા નશીલા પદાર્થો અને અસામાજિક તત્વોની વધતી જતી ગુંડાગીરીએ યુવા પેઢીનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું છે.
મહેશભાઈ રાજપૂતે વધુમાં ઉમેર્યું હતું કે માતા-પિતા જ્યારે પોતાના દીકરાઓને અભ્યાસ કે કામ અર્થે ઘરની બહાર મોકલે છે, ત્યારે તેઓ સુરક્ષિત ઘરે પરત ફરશે કે કેમ તેવી સતત ચિંતા સતાવતી રહે છે. નશાખોરીના દૂષણ અને લુખ્ખા તત્વોના આતંક સામે વહીવટી તંત્ર લાચાર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. સરકારે માત્ર મોટા દાવાઓ કરવાને બદલે યુવાનોને ટ્રાફિકની સમસ્યા, નશાના કારોબાર અને ગુંડાગીરીથી બચાવવા તાત્કાલિક કડક પગલાં ભરવા જોઈએ તેવી તેમણે માંગ કરી છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
