News of Monday, 28th September 2026
ચૂંટણી પંચની સ્પષ્ટતા બાદ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનો વિપક્ષ પર કડક પ્રહાર: 'જ્યાં પોતે જીતે છે ત્યાં EC પર સવાલ કેમ નથી ઉઠાવતા?'
EVMs અને ચૂંટણી પ્રક્રિયા અંગે કોંગ્રેસના આક્ષેપો સામે ચિરાગ પાસવાને પ્રિયંકા ગાંધીને ઘેર્યા: કહ્યું – 'ચૂંટણી પંચના મુદ્દાસર જવાબથી સંતોષ, વિપક્ષ પસંદગીયુક્ત ટીકા કરવાનું બંધ કરે.'

નવી દિલ્હી : દેશમાં ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ (EC) ની કાર્યપ્રણાલી સામે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા તીખા આક્ષેપો બાદ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા વિસ્તૃત ખુલાસા અંગે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાને સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે વિપક્ષી ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો હતો કે જો ચૂંટણી પ્રક્રિયામાં ખામી છે, તો વિપક્ષ પોતે ચૂંટણીઓ કેવી રીતે જીતી રહ્યો છે?
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "શરૂઆતમાં અમને પણ કેટલીક બાબતો અંગે ચિંતા હતી, પરંતુ ચૂંટણી પંચે ગઈકાલે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓનો જે રીતે તાર્કિક અને મુદ્દાસર જવાબ આપ્યો છે, તેનાથી હવે ચિંતાનું કોઈ કારણ રહેતું નથી." તેમણે ઉમેર્યું કે બંધારણીય સંસ્થા તરીકે પંચે પોતાની નિષ્પક્ષતા સાબિત કરી દીધી છે અને દરેક સવાલનો સ્પષ્ટ ખુલાસો દેશ સમક્ષ મૂકી દીધો છે.
વિપક્ષની બેવડી નીતિ પર પ્રહાર કરતા પાસવાને પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, "વિપક્ષે પોતાની અનુકૂળતા મુજબ 'પસંદગીયુક્ત ટીકા' (Selective Criticism) કરવાનું બંધ કરવું જોઈએ. જ્યારે ભાજપ કે એનડીએ જીતે છે ત્યારે ચૂંટણી પંચ અને ઈવીએમ પર દોષારોપણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોંગ્રેસ કે વિપક્ષી પક્ષો હિમાચલ પ્રદેશ, કર્ણાટક કે કેરળ જેવા રાજ્યોમાં જીત મેળવે છે કે વાયનાડથી ચૂંટણી જીતે છે, ત્યારે તેઓ પ્રક્રિયા સામે કોઈ સવાલ નથી ઉઠાવતા. આ બેવડા ધોરણો વિપક્ષની હતાશા દર્શાવે છે."
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
