News of Thursday, 29th October 2026
એક પણ રુપિયો ચૂકવ્યા વિના મનગમતી વસ્તુ કે વાનગી ઓનલાઇન ઓર્ડર કરો!
‘ડોપામાઇન સાઇટ્સ'નો નવો ટ્રેન્ડ ચર્ચામાં : ડિલિવરી બોયનો ફોન પણ આવશે, ટ્રેકર પણ ચાલશે, છતાં ઘરે કશું નહીં આવે! શોપિંગના શોખને સંતોષતી નવી વેબસાઇટ્સનો અનોખો પ્રયોગ

ઉદયપુર,તા.૨૯: ઓનલાઇન ખરીદીનો શોખ હોય, મનપસંદ વાનગી મંગાવવાની ઇચ્છા થાય કે રજાઓમાં ફરવા જવાનું આયોજન કરવું હોય, તો હવે કેટલીક વેબસાઇટ્સ આ બધું કરવાનો અનુભવ મફતમાં આપે છે. આヘર્યની વાત એ છે કે અહીં ઓર્ડર આપ્યા પછી ખાવાનું કે કોઈ વસ્તુ ઘરે આવતી જ નથી! ‘ડોપામાઇન સાઇટ્સ' નામની આ નવી વેબસાઇટ્સ ખરીદીનો આનંદ આપે છે, પરંતુ વાસ્તવિક ખર્ચ કે ડિલિવરી વિના. જોકે, નિષ્ણાતો ચેતવે છે કે આવી સાઇટ્સ ખરીદીની લત ઘટાડવાને બદલે તેને વધારી પણ શકે છે.
રાજસ્થાનના ઉદયપુરના ૨૬ વર્ષના બે ડેવલપરે તેમની સોફટવેર અને કન્ટેન્ટ કંપની ન્યુરોએક્સ એઆઈ મારફતે ‘ફૂડનેવરકમ્સ' બનાવી છે. જૂનમાં શરૂ થયેલી આ સાઇટ પર બીબીસીના અહેવાલ મુજબ ૨૭ લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. અહીં ૨૨ અલગ કિચન અને સેંકડો વાનગીઓમાંથી પસંદગી કરી શકાય છે. સાઇટ ૩૧૯ વાસ્તવિક વાનગીઓની રેસિપીનો ઉપયોગ કરીને ૩૨૭ નકલી વાનગીઓ દર્શાવે છે. ઓર્ડર કર્યા પછી નકલી બિલ અને ડિલિવરી ટ્રેકર દેખાય છે. અંતે ખ્ત્ જનરેટેડ ફોન કોલ આવે છે, જેમાં ડિલિવરી કરનાર વ્યક્તિ રસ્તો કે દરવાજો ન મળતો હોવાનું કહે છે.
આ વિચારની શરૂઆત દક્ષિણ કોરિયામાં આ વર્ષની શરૂઆતમાં થઈ હતી. ત્યાં ૨૧ વર્ષના મિકેનિકલ એન્જાિનિયરિગના વિદ્યાર્થીએ ‘ફૂડ નેવર અરાઇવ્ઝ' નામની સાઇટ બનાવી હતી. તે ઓર્ડર ન કરવાથી કેટલા રૂપિયા અને કેટલી કેલરી બચી તે પણ બતાવે છે. ‘ડોપામાઇન શોપ'એમેઝોન કે ફિલપકાર્ટની જેમ ખરીદી અને કાર્ટ ભરવાનો અનુભવ આપે છે. જ્યારે ‘ડેમ્ટા વર્લ્ડ' નામની દક્ષિણ કોરિયાની સાઇટ ધૂમ્રપાન ઘટાડવા ઇચ્છતા લોકોને વર્ચ્યુઅલ સિગારેટ બ્રેક આપે છે. ‘ડિજિટલ ટ્રેન્ડ્સ'ના પત્રકારે ફૂડનેવરકમ્સ અજમાવતાં મેપ પર ડિલિવરીની સાઇન આગળ વધતી જોઇ અને સ્વીકાર્યું કે ખરીદી નકલી હતી, પણ આનંદની લાગણી વાસ્તવિક હતી.
યેલ યુનિવર્સિટીના ગ્રાહક-મનોવિજ્ઞાનના સંશોધકના મતે, વસ્તુ મળવાની રાહ જોવામાં મળતો આનંદ એટલે કે અપેક્ષાનો આનંદ ઘણીવાર વસ્તુ હાથમાં આવ્યા પછીના આનંદ જેટલો, ક્યારેક તેનાથી વધુ હોય છે. મિશિગન યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ સમજાવે છે કે મગજમાં કંઈક મેળવવાની ઇચ્છા અને તે મળ્યા પછીનો આનંદ અલગ પ્રક્રિયાઓ છે; ડોપામાઇન ઇચ્છાને વધુ વેગ આપે છે.
જોકે, સ્ટેનફર્ડના વ્યસન નિષ્ણાત અને લેખક ચેતવે છે કે વારંવાર નકલી ખરીદીની પ્રક્રિયા પણ એ જ ઇચ્છાને મજબૂત બનાવી શકે છે. પોતાની આદતનો સ્વીકાર કરવો સુધારાની શરૂઆત બની શકે છે, તેમનું કહેવું છે.
આ જ સ્થાપકોએ ‘ટ્રિપનેવરલીવ્ઝ' શરૂ કરી છે, જ્યાં સ્થળ, ફલાઇટ, બેઠક, હોટેલ અને એક્ટિવિટી પસંદ કર્યા પછી પ્રવાસ વર્ચ્યુઅલ ફલાઇટ સાથે પૂરો થાય છે,વિમાન રનવે પરથી ઊડતું જ નથી. આ સાઇટની મુલાકાત ૧ લાખથી વધુ લોકોએ લીધી છે. નિષ્ણાતોના મતે, કિશોરોમાં જોખમ વધારે હોઈ શકે છે, કારણ કે આવેગો પર નિયંત્રણ રાખતો મગજનો ભાગ કિશોરાવસ્થા સુધી વિકસતો રહે છે. સ્થાપકો કહે છે કે સાઇટ્સ મફત રહેશે અને કમાણી માટે બનાવાઈ નથી. ભવિષ્યમાં તેઓ યુઝર્સને તેમના વર્તનનો ડેટા ન્યૂરોસાયન્ટિસ્ટ અને મનોવિજ્ઞાનીઓને આપવાની યોજના ધરાવે છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
