News of Saturday, 24th October 2026
ફ્રાન્સમાં હાહાકાર: મોંઘવારી અને સ્કૂલ બજેટ સામે વિરોધ કરી રહેલા લોકો સામે : ૭૦,૦૦૦ પોલીસ તૈનાત : ૧૩૫ની ધરપકડ!
પેરિસથી લઈને લિયોન સુધી રસ્તાઓ બન્યા જંગના મેદાન : લુવર મ્યુઝિયમ બંધ, દુકાનો પર લાકડાના પાટિયા લગાવાયા અને સરકારે સુરક્ષા માટે એડીચોટીનું જોર લગાવ્યું

પેરિસ : ફ્રાન્સમાં આસમાને પહોંચેલી મોંઘવારી, ઓછા વેતન અને શાળાઓના અપૂરતા બજેટ સામે જનતાનો રોષ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે, જેના કારણે સમગ્ર દેશમાં અશાંતિ અને હિંસાનો માહોલ સર્જાયો છે. ગત સપ્તાહના અંતે થયેલી વિનાશક આગચંપી અને લૂંટફાટની ઘટનાઓમાં અંદાજે ૩,૦૦૦ જેટલી દુકાનો અને જાહેર ઇમારતોને નુકસાન થયા બાદ, સરકારે સ્થિતિ કાબૂમાં લેવા માટે દેશભરમાં લોખંડી સુરક્ષા વ્યવસથા ગોઠવી દીધી છે. રાજધાની પેરિસ સહિત અનેક મુખ્ય શહેરોમાં રેલીઓ અને કૂચ પર કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે અથવા તો રુટ બદલવાની ફરજ પાડવામાં આવી છે.
હિંસા અને તોડફોડને અટકાવવા માટે ગૃહ મંત્રી લોરેન્ટ નુનેઝના આદેશથી દેશભરમાં ૭૦,૦૦૦ જેટલા પોલીસ અધિકારીઓને સશસ્ત્ર વાહનો, વોટર કેનન અને હેલિકોપ્ટર સાથે તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને પેરિસના વિશ્વપ્રસિદ્ધ લુવર મ્યુઝિયમ, ઓરસે મ્યુઝિયમ અને ગ્રાન્ડ પેલેસ જેવા પ્રખ્યાત સ્થળો શનિવારે પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા, જ્યારે આર્ટ બેસલ મેળો પણ રદ કરવો પડ્યો હતો. સંભવિત તોડફોડથી બચવા માટે વેપારીઓએ પોતાની દુકાનોની બહાર મજબૂત લાકડાના પાટિયા જડી દીધા છે, અને લિયોન જેવા શહેરોમાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
આ વ્યાપક વિરોધ પ્રદર્શનની શરૂઆત ગયા મહિને પેરિસની એક હાઈસ્કૂલમાં સ્ટાફ અને શિક્ષકોની અછતના વિરોધથી થઈ હતી, જે જોતજોતામાં જ મોંઘવારીના સંકટ સામેના રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગઈ છે. ટ્રેડ યુનિયનો અને યલો વેસ્ટ કાર્યકરો સરકારી પ્રતિબંધો સામે રોષે ભરાયા છે, જ્યારે પોલીસે અત્યાર સુધીમાં કાયદો હાથમાં લેનારા ૧૩૫ જેટલા ઉપદ્રવીઓની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા છે. આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં મરીન લે પેનની પાર્ટીના સંમેલન અને સરકાર વિરોધી આંદોલનને કારણે ફ્રાન્સનું રાજકીય અને સામાજિક તાણાવપૂર્ણ વાતાવરણ ગરમાયું છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
