News of Thursday, 16th April 2026
લેબનોનમાં હાહાકાર: લિટાની નદીનો છેલ્લો પુલ પણ ધરાશાયી, ઇઝરાયલી હુમલાએ દક્ષિણ ભાગને દુનિયાથી કાપ્યો
પહેલા ડ્રોન ત્રાટક્યા અને પછી મિસાઇલોનો મારો: કાસ્મિયેહ પુલના વિનાશ સાથે હજારો નાગરિકો માટે જીવનરક્ષક સહાયના દ્રાર બંધ થયા : ભૂખમરા અને તબાહીની દહેશત

બેરૂત: લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષે હવે અત્યંત ભયાનક વળાંક લીધો છે. ઇઝરાયલી વાયુસેનાએ એક વ્યૂહાત્મક અને વિનાશક ઓપરેશન હાથ ધરીને લિટાની નદી પરના અંતિમ કાર્યરત 'કાસ્મિયેહ પુલ'ને નિશાન બનાવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો અત્યંત ચોકસાઈથી કરવામાં આવ્યો હતો, જેમાં પહેલા ડ્રોન દ્વારા બે ટાર્ગેટેડ હુમલા કરવામાં આવ્યા અને ત્યારબાદ શક્તિશાળી મિસાઇલો છોડીને આખા પુલને કાટમાળમાં ફેરવી દેવામાં આવ્યો. આ પુલ દક્ષિણ લેબનોનના ઐતિહાસિક શહેર ટાયરને સિડોન સાથે જોડતી એકમાત્ર કડી હતો, જે હવે સંપૂર્ણપણે તૂટી જતા સમગ્ર દક્ષિણ વિસ્તાર સંપર્કવિહોણો બની ગયો છે.
ઇઝરાયલી સૈન્યના મતે, આ હુમલાનો મુખ્ય હેતુ હિઝબુલ્લાહના સૈન્ય પરિવહન અને હથિયારોના સપ્લાય રૂટને તોડવાનો હતો. લશ્કરી અધિકારીઓએ દાવો કર્યો છે કે આ પુલનો ઉપયોગ લશ્કરી સાધનોની હેરફેર માટે કરવામાં આવતો હતો. જોકે, યુદ્ધની આ રણનીતિએ માનવીય સંકટને ચરમસીમાએ પહોંચાડી દીધું છે. લિટાની નદી પરના તમામ સાત મુખ્ય પુલો હવે નષ્ટ થઈ ચૂક્યા છે, જેના કારણે લેબનોન ભૌગોલિક રીતે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આ પરિસ્થિતિએ લેબનોનના આર્થિક અને સામાજિક માળખાને જમીનદોસ્ત કરી દીધું છે.
સૌથી ચિંતાજનક બાબત માનવતાવાદી સહાયની છે. ટાયર શહેરના સ્થાનિક સત્તાવાળાઓએ ગંભીર ચેતવણી આપી છે કે આ પુલ નાશ પામવાથી શહેર હવે 'ટાપુ' જેવું બની ગયું છે. ખોરાક, દવાઓ અને પીવાના પાણી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો માંડ એક અઠવાડિયા સુધી ચાલે તેમ છે. રાહત સંગઠનોનું કહેવું છે કે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા કે જીવનરક્ષક સહાય મોકલવા માટે હવે કોઈ જમીની રસ્તો બાકી રહ્યો નથી. આ નાકાબંધી દક્ષિણ લેબનોનના હજારો નિર્દોષ નાગરિકોને એક અઘોષિત કેદમાં ધકેલી રહી છે, જ્યાં આગામી દિવસોમાં ભૂખમરો અને તબીબી સહાયનો અભાવ મોટી જાનહાનિ નોતરી શકે છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
