<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

નેપાળમાં વિનાશક પૂર બાદ ૫,૦૦૦થી વધુ લોકો ગુમ: મૃતદેહોની ઓળખ માટે ભારતે લંબાવ્યો મદદનો હાથ, DNA પ્રોફાઇલિંગ સુવિધા પૂરી પાડશે!

ભારતમાં રહેતા ગુમ થયેલા લોકોના સંબંધીઓ ફોરેન્સિક લેબ્સમાં આપી શકશે જૈવિક નમૂના: નેપાળ પોલીસ ઓટોસોમલ STR પદ્ધતિથી DNA પ્રોફાઈલ સરખાવી આપ્તજનોની ઓળખ નક્કી કરશે

નવી દિલ્હી : હજુ તાજેતરમાં જ નેપાળમાં આવેલા વિનાશક અને કુદરતી પ્રકોપ સમાન પૂર અને હિમપ્રપાત બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ કુદરતી હોનારતમાં ગુમ થયેલા હજારો લોકોના નશ્વર અવશેષો અને મૃતદેહોની ઓળખ માટે કેન્દ્ર સરકારે એક મોટો અને માનવતાવાદી નિર્ણય લીધો છે. ભારતના વિદેશ મંત્રાલયે (MEA) જાહેરાત કરી છે કે ભારત સરકાર નેપાળી અધિકારીઓને મદદ કરવા માટે ભારતમાં અત્યાધુનિક ફોરેન્સિક DNA પ્રોફાઇલિંગ સુવિધાઓ પૂરી પાડશે.

સગાંસંબંધીઓ ભારતીય લેબ્સમાં આપી શકશે સેમ્પલ:

વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતમાં રહેતા ગુમ થયેલા લોકોના પ્રથમ-ડિગ્રી જૈવિક સંબંધીઓ (જેવા કે માતાપિતા, બાળકો અને ભાઈ-બહેનો) આ પહેલ હેઠળ DNA પ્રોફાઇલિંગ માટે પોતાના જૈવિક નમૂના આપી શકશે. આ સેમ્પલ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (CFSLs), સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (SFSLs), નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને NABL દ્વારા માન્યતા પ્રાપ્ત લેબ્સમાં એકત્રિત કરવામાં આવશે.

ઓટોસોમલ STR પદ્ધતિથી થશે ઓળખ:

નેપાળ પોલીસની સલાહ મુજબ, DNA પ્રોફાઇલીંગમાં 'ઓટોસોમલ STR' પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં તૈયાર કરાયેલી DNA પ્રોફાઇલ્સ અને જરૂરી વિગતો નેપાળ પોલીસને ઈમેલ ([email protected]) અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસને ([email protected]) મોકલવામાં આવશે. જ્યાં અજાણ્યા નશ્વર અવશેષોના DNA સાથે તેની સરખામણી કરીને મૃતદેહોની સાચી ઓળખ છતી કરવામાં આવશે.

૫,૦૦૦ થી વધુ લોકો હજુ પણ લાપતા:

નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા હિમપ્રપાત અને પૂરના કારણે અત્યાર સુધીમાં ૧,૨૫૯ થી વધુ લોકોના મોત થયા છે અને ૧૨,૦૦૦ થી વધુ લોકોને બચાવી લેવાયા છે. પરંતુ આ દુર્ઘટનામાં હજુ પણ ૫,૦૦૦ થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. આ મુશ્કેલ સમયમાં ભારત સરકારે વિશેષ હેલ્પલાઇન નંબર (+977 9841 6160 95) પણ જાહેર કરીને સહાયનો હાથ લંબાવ્યો છે.

(9:40 PM IST)