<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ૬૬ ટકાથી વધુ Gen-Z મતદારોનું ડેમોક્રેટ્સને સમર્થન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો

યુવા મહિલાઓ અને શ્વેત મતદારોના ઝુકાવને કારણે રિપબ્લિકન પાર્ટીની હાર, ૩૫ ટકાની રેકોર્ડ લીડ સાથે રાજકીય સમીકરણો બદલાયા

વોશિંગ્ટન, તા.૦૬: અમેરિકાના રાજકારણમાં યુવા મતદારો (Gen-Z) ના અચાનક બદલાયેલા મિજાજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે ચિંતાની ગંભીર ઘંટડી વગાડી દીધી છે, કારણ કે ૨૦૨૬ની મિડટર્મ ચૂંટણીના પ્રારંભિક આંકડાઓમાં ૧૮થી ૨૯ વર્ષની વયના આશરે ૬૬ ટકા યુવા મતદારોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપ્યું હોવાનું બહાર આવ્યું છે.

ટફ્ટ્સ યુનિવર્સિટીના સિવિલ લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ સેન્ટર (CIRCLE) દ્વારા કરવામાં આવેલા ચૂંટણી વિશ્લેષણ અનુસાર, ડેમોક્રેટિક ઉમેદવારોને યુવા મતદારોમાં ૩૫ ટકાથી વધુની મજબૂત લીડ પ્રાપ્ત થઈ છે, જે ગત ૨૦૨૪ની ચૂંટણીના ૧૪ ટકાના તફાવતની સરખામણીએ નોંધપાત્ર મોટો ઉછાળો દર્શાવે છે.

આંકડાકીય વિગતો મુજબ આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને માત્ર યુવા મહિલાઓ જ નહીં પરંતુ યુવા પુરુષો તરફથી પણ અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે, જેમાં ૩૦ વર્ષથી ઓછી વયના ૫૯ ટકા પુરુષો અને ૭૦ ટકા યુવા મહિલાઓએ ડેમોક્રેટ્સની તરફેણમાં મતદાન કર્યું છે.

આ ઉપરાંત યુવા શ્વેત મતદારોમાં પણ ડેમોક્રેટિક પાર્ટીનો જનાધાર મજબૂત થયો છે, જ્યાં ૬૩ ટકા મતદારોએ ડેમોક્રેટ્સ પર પસંદગી ઉતારી હતી, જ્યારે રિપબ્લિકન પક્ષને માત્ર ૩૪ ટકા મતોથી જ સંતોષ માનવો પડ્યો છે.

આ બદલાયેલા વલણની સીધી અસર ટેક્સાસ, જ્યોર્જિયા, ઓહાયો અને આયોવા જેવા મહત્વપૂર્ણ રાજ્યોમાં જોવા મળી હતી, જ્યાં ટેક્સાસમાં સેનેટ ઉમેદવાર જેમ્સ ટાલારિકોને ૭૬ ટકા અને ગવર્નર ઉમેદવાર જીના હિનોજોસાને ૭૩ ટકા યુવા મત મળતા રિપબ્લિકન પક્ષને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
 

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ યુવા પેઢીના આ આક્રમક રુખથી ભવિષ્યની ચૂંટણીઓમાં સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ શકે છે, અને રિપબ્લિકન પાર્ટી માટે યુવાનોને ફરી પોતાની તરફ આકર્ષિત કરવા એ આગામી સમયનો સૌથી મોટો રાજકીય પડકાર બની રહેશે.

(5:20 PM IST)