<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં દર્દનાક ટ્રેન દુર્ઘટના: પાટા ઓળંગતી વખતે રાજ્ય રાણી એક્સપ્રેસની ટક્કરથી ૪ વિદ્યાર્થીઓના કરૂણ મોત, ૧ ગંભીર!

શૌચક્રિયા પતાવી પરત ફરી રહેલા યુવાનો કાળનો કોળિયો બન્યા: ૨૦ વર્ષથી ઓછી વયના માસુમોના મોતથી ગામમાં અરેરાટી, મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ શોક વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી

શ્રીકાકુલમ : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આજે વહેલી સવારે એક અત્યંત કાળજું કંપાવી દેનારી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક ઓળંગી રહેલા પાંચ યુવાનો ઝડપથી આવી રહેલી 'રાજ્ય રાણી એક્સપ્રેસ' ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં ૪ વિદ્યાર્થીઓના સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.

 

શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક (SP) કે.વી. મહેશ્વર રેડ્ડીએ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા તમામ વિદ્યાર્થીઓ નજીકના જ ગામના રહેવાસી હતા અને તેમની ઉંમર ૨૦ વર્ષથી ઓછી હતી. અકસ્માતમાં બચી ગયેલા પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થી સોલોમન રાજે જણાવ્યું કે, તમામ મિત્રો રેલવે ટ્રેકની આસપાસ શૌચક્રિયા પતાવીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક ઓળંગતી વખતે અચાનક આવેલી રાજ્ય રાણી એક્સપ્રેસની ઝપેટમાં આવી જતાં આ ગંભીર હોનારત સર્જાઈ હતી.

 

આ કરૂણ ઘટના અંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતક વિદ્યાર્થીઓના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી અને ઘાયલ વિદ્યાર્થીને શ્રેષ્ઠ સારવાર આપવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ધોરણે જરૂરી તમામ સરકારી સહાય પૂરી પાડવા માટે જિલ્લા તંત્રને કડક નિર્દેશ આપ્યા છે.

(8:54 PM IST)