<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

પાકિસ્તાની એજન્ટ શહજાદ ભટ્ટીના ખતરનાક પ્લાન 'મોડ્યુલ ૨' નો પર્દાફાશ: દિલ્હી-પંજાબમાંથી ૬ આતંકીઓ દબોચાયા

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈના પેટ્રોલ બોમ્બ હુમલા અને ડ્રોન દ્વારા હથિયારોની સપ્લાય કરવાના આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કને તોડી પાડ્યું : મહત્વના દસ્તાવેજો અને પિસ્તોલ કબ્જે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને પંજાબ સરહદે મોટો આતંકવાદી હુમલો કરવાનો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને કુખ્યાત એજન્ટ શહજાદ ભટ્ટીનો નાપાક કાવતરાનો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ભાંડો ફોડી નાખ્યો છે. સુરક્ષા એજન્સીઓએ એક સંયુક્ત ઓપરેશન દરમિયાન બે અત્યંત ખતરનાક મોડ્યુલનો પર્દાફાશ કરીને કુલ છ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આતંકીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ (મોલોટોવ કોકટેલ) અને હાઈટેક હથિયારો મળી આવ્યા છે. આ આતંકીઓ પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે ભારતમાં મોટો રક્તપાત સર્જવાની અને પોલીસ મથકોને નિશાન બનાવવાની ફિરાકમાં હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે.

પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શહજાદ ભટ્ટીના સહયોગી અને આઈએસઆઈ હેન્ડલર રાણા હુનૈન દ્વારા સંચાલિત 'મોડ્યુલ ૧' દિલ્હીના વ્યૂહાત્મક સ્થળો અને પોલીસ સ્ટેશનો પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવાનો આદેશ મેળવી ચૂક્યું હતું. સ્પેશિયલ સેલે વિજય ઘાટ વિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી દાનિશ ઉર્ફે ચાંદ મિયા અને સલમાનને દબોચી લીધા હતા, જેમને આ હુમલાનો લાઈવ વીડિયો પાકિસ્તાન મોકલવા માટે ટાસ્ક અપાયું હતું. આ સફળતા બદલ આતંકી દાનિશને મોટી રકમ આપવાનું વચન અપાયું હતું. તપાસ દરમિયાન આ આરોપીઓના મોબાઈલમાંથી પાકિસ્તાની હેન્ડલર્સ સાથેની ચેટ્સ, નકશાઓ અને ચોંકાવનારા વીડિયો પણ રિકવર કરાયા છે.

જ્યારે 'મોડ્યુલ ૨' સરહદ પારથી ડ્રોન મારફતે પંજાબમાં હથિયારો મંગાવીને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ એકઠું કરવાનું નેટવર્ક ચલાવતું હતું. અમૃતસરના કોહાલા ગામના રહેવાસી અને મુખ્ય ડ્રોન સપ્લાયર મલકિત સિંહ સહિત શાહીન બાગના તૈયબ, ગાઝિયાબાદના ઝુબૈર ખાન અને મેરઠના અલી ફઝલની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મોડ્યુલ પાસેથી અધ્યતન પિસ્તોલ, જીવંત કારતૂસ અને બે લક્ઝુરિયસ કાર જપ્ત કરાઈ છે. સ્પેશિયલ સેલે આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને આ આખી સપ્લાય ચેઈન અને સ્લીપર સેલના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે પૂછપરછનો દોર તેજ કર્યો છે.

(7:30 PM IST)