News of Tuesday, 23rd June 2026
પાકિસ્તાની પ્રચારનો ફુગ્ગો ફૂટ્યો, આકાશમાં ફરી ગાજશે રાફેલ: ‘ઓપરેશન સિંદૂર’ માં ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના પાડોશી દેશના પાયા વિહોણા દાવાઓનો IAF ના સત્તાવાર ટેન્ડરે જ ખોલ્યો ગંભીર પોલ!
ગણિતમાં ફરી નાપાસ થયું ઇસ્લામાબાદ; ફ્રાન્સ પાસેથી ખરીદેલા તમામ ૩૬ રાફેલ સહી સલામત અને સંપૂર્ણ કાર્યરત હોવાના સત્તાવાર દસ્તાવેજી પુરાવા આવ્યા સામે, હવે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ વધુ ૧૧૪ રાફેલ વિમાનો ખરીદવાની ભારતીય વાયુસેનાની ધમાકેદાર તૈયારી

નવી દિલ્હી : એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે 'જૂઠાણાને કોઈ પગ નથી હોતા' અને જ્યારે વાત પાકિસ્તાનની પ્રોપેગેન્ડા (પ્રચાર) ફેક્ટરીની હોય ત્યારે તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. વૈશ્વિક મંચ પર ફરી એકવાર પાકિસ્તાનની ભારે નાલેશી થઈ છે. ભારતીય વાયુસેના (IAF) ના એક સત્તાવાર અને કાનૂની દસ્તાવેજે પાકિસ્તાનના એ ‘નિરપેક્ષ જૂઠાણા’ નો પર્દાફાશ કરી દીધો છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાની દળોએ ભારતના શક્તિશાળી રાફેલ ફાઇટર જેટને તોડી પાડ્યા હતા. વાયુસેના દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ મેઇન્ટેનન્સ ટેન્ડરે સાબિત કરી દીધું છે કે ભારતના તમામ રાફેલ વિમાનો માત્ર સુરક્ષિત જ નથી, પરંતુ દુશ્મનોના હૃદયમાં ધડકન વધારવા માટે સજ્જ છે.
નંબર ૩૬ નો જાદુ: પાકિસ્તાનનું જુઠ્ઠાણું પકડાયું
અહેવાલ મુજબ, ભારતીય વાયુસેના મુખ્યાલય દ્વારા જૂન ૨૦૨૬ માં એક સત્તાવાર 'રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ' (RFP) એટલે કે ટેન્ડર જારી કરવામાં આવ્યું છે. આ ટેન્ડરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વર્ષ ૨૦૧૬ માં થયેલા કરાર હેઠળ ખરીદેલા તમામ ૩૬ રાફેલ વિમાનોના જાળવણી, લોજિસ્ટિક્સ અને તકનીકી સહાય માટે ‘બ્રિજ સપોર્ટ પેકેજ’ ની માંગ કરવામાં આવી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ આંકડો પાકિસ્તાની જૂઠાણાના ગાલ પર જોરદાર તમાચો છે. જો પાકિસ્તાને એક પણ રાફેલ વિમાન તોડી પાડ્યું હોત, તો વાયુસેનાનું આ ટેન્ડર ૩૬ ના બદલે ઓછી સંખ્યા માટે બહાર પડ્યું હોત. આ સરકારી દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે સપ્ટેમ્બર ૨૦2૬ પછી પણ કાફલાને અવિરત કાર્યરત રાખવા માટે આગામી ૫ મહિનામાં અંદાજે ૨,૨૫૦ ફ્લાઇટ કલાકોનું આયોજન કરવામાં આવ્યું છે.
શું હતું ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાની પ્રપંચ?
વાસ્તવમાં, ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના જડબાતોડ જવાબ તરીકે ભારતીય વાયુસેનાએ "ઓપરેશન સિંદૂર" હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં રાફેલ ફાઇટર જેટ્સે પાકિસ્તાની સરહદમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓ પર અત્યંત ચોકસાઈપૂર્વક એરસ્ટ્રાઈક કરી હતી. આ કારમી હાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી બદનામી છુપાવવા માટે પાકિસ્તાની સેના અને તેના ટ્રોલ આર્મીએ સોશિયલ મીડિયા પર નકલી અને એડિટ કરેલા વીડિયો-ફોટો વાયરલ કર્યા હતા. પાકિસ્તાન જે ટેઇલ નંબર (વિમાનોની ઓળખ સંખ્યા) નાશ પામ્યા હોવાનો દાવો કરતું હતું, તે જ વિમાનો તાજેતરમાં ભારતીય આકાશમાં ભવ્ય રીતે ઉડતા કેમેરામાં કેદ થયા છે.
દુશ્મનની ઊંઘ ઉડાડવા વધુ ૧૧૪ રાફેલ આવી રહ્યા છે
પાકિસ્તાન હજુ આ લશ્કરી અને રાજદ્વારી અપમાનમાંથી બહાર આવે તે પહેલા જ ભારત તેને વધુ એક મોટો આંચકો આપવાની તૈયારી કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય વાતચીત બાદ, ભારત હવે મેગા રિલિઝ પ્રોગ્રામ (MRFA) હેઠળ વધુ ૧૧૪ અદ્યતન રાફેલ ફાઇટર જેટ ખરીદવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ડીલની ખાસ વાત એ છે કે તેમાંથી ૧૮ વિમાનો ફ્રાન્સથી સીધા ઉડાન ભરીને ભારત આવશે, જ્યારે બાકીના ૯૬ વિમાનો વડાપ્રધાનના મહત્વાકાંક્ષી "મેક ઇન ઇન્ડિયા" અભિયાન હેઠળ ભારતીય પ્લાન્ટમાં સ્વદેશી ટેકનોલોજી સાથે બનાવવામાં આવશે. ટૂંક સમયમાં જ રાફેલની ગર્જના પાકિસ્તાની આકાશમાં ફરી ભયનો માહોલ પેદા કરશે, જ્યારે ઇસ્લામાબાદના જૂઠાણાં વૈશ્વિક મંચ પર હાસ્યનો વિષય બની ગયા છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
