News of Thursday, 8th October 2026
નાણાકીય કટોકટી વચ્ચે પાકિસ્તાનનો મોટો દાવ: IMF ની તિજોરી પર મંજૂરી મેળવવા મરિયમ કયાનીની કરી નિમણૂક!
વડાપ્રધાન શાહબાઝ શરીફે BS-20 ગ્રેડના સિનિયર મહિલા અધિકારી મરિયમ કયાનીને વોશિંગ્ટન ડીસીમાં IMF એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર બનાવ્યા : કંગાળ પાકિસ્તાનને કરોડો ડોલરની લોન અપાવવામાં ભજવશે મુખ્ય ભૂમિકા

ઇસ્લામાબાદ: ઘોર આર્થિક સંકટ અને વૈશ્વિક મોરચે સતત નિષ્ફળતાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ પાસેથી વધુ નાણાકીય મદદ મેળવવા માટે એક મોટો અને વ્યૂહાત્મક દાવ ખેલ્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારે પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (PAS) ના ગ્રેડ-૨૦ ના વરિષ્ઠ મહિલા અધિકારી મરિયમ કયાનીને વોશિંગ્ટન ડીસી સ્થિત IMF ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર (તરીકે નિયુક્ત કર્યા છે. ૭ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, મરિયમ કયાની આ મહત્વપૂર્ણ પદ પર ત્રણ વર્ષના ડેપ્યુટેશન કાર્યકાળ માટે સેવા આપશે અને પૂર્વ અધિકારી સૈફુલ્લાહ ડોગરનું સ્થાન લેશે.
આ ઉચ્ચ સ્તરીય પદ માટે પાકિસ્તાન સરકારની કેબિનેટ કમિટી દ્વારા મોઅઝમ રઝા અને નદીમ અહેસાન જેવા અનુભવી અધિકારીઓ સહિત ત્રણ નામોની રેસમાંથી મરિયમ કયાનીની પસંદગી કરવામાં આવી છે. મરિયમ કયાની પાસે જાહેર વહીવટ, બાહ્ય નાણાકીય બાબતો અને આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથે કામ કરવાનો ૧૮ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. આ અગાઉ તેઓ નાણા મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે અને પાકિસ્તાનને મળેલા મહત્વપૂર્ણ $૭ બિલિયનના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી પ્રોગ્રામમાં મુખ્ય વાટાઘાટકાર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ કાયદા અને વાણિજ્યની ડિગ્રી ધરાવવાની સાથે યુએસએ અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ફેલોશિપ પણ મેળવી ચૂક્યા છે.
આગામી સમયમાં મરિયમ કયાની IMF ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાર્યાલયમાં જોડાશે, જે પાકિસ્તાન સહિત આઠ દેશોના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. કંગાળ પરિસ્થિતિમાંથી ગુજરતા પાકિસ્તાનની IMF પરની નિર્ભરતા ખૂબ જ વધી ગઈ છે, જ્યાં તાજેતરના સમયમાં અબજો ડોલરની લોન અને બેલઆઉટ પેકેજ મેળવવા છતાં દેશની આર્થિક સ્થિતિ કથળેલી છે. નવી ભૂમિકામાં મરિયમ નીતિગત દસ્તાવેજો અને આર્થિક સમીક્ષાઓમાં બોર્ડને મદદ કરશે, જેથી કરીને પાકિસ્તાન માટે IMF ના નાણાકીય ભંડોળનો માર્ગ સરળ બનાવી શકાય.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
