News of Wednesday, 11th November 2026
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાનના પૌત્ર પર વિદેશી મહિલાઓ સાથે ગેંગરેપ અને ખંડણીનો ગંભીર આરોપ, લાહોર કોર્ટે ઘડ્યા આરોપો
ક્રિપ્ટોકરન્સી રોકાણ વિવાદમાંથી સર્જાયેલા હાઈ-પ્રોફાઇલ કેસમાં મોહમ્મદ રઝા ડાર સહિત આઠ આરોપીઓ સામે કાયદાકીય શિકંજો કડક, આગામી ૯ ડિસેમ્બરે સાક્ષીઓ રજૂ કરવા આદેશ

લાહોર : પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવતી એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં દેશના નાયબ વડા પ્રધાન ઇશાક ડારના પૌત્ર મોહમ્મદ રઝા ડાર સહિત આઠ લોકો પર નેધરલેન્ડ અને વેનેઝુએલાની બે વિદેશી મહિલાઓનું અપહરણ, ગેંગરેપ અને ખંડણી વસૂલવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. લાહોરની એક વિશેષ કોર્ટે આ સમગ્ર હાઈ-પ્રોફાઇલ કેસમાં તમામ આરોપીઓ સામે સત્તાવાર રીતે આરોપો ઘડી દીધા છે, જેના કારણે પાકિસ્તાનની આબરૂ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર જોખમમાં મૂકાઈ ગઈ છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ અને રોકાણના વ્યવસાયિક લેણદેણમાંથી થઈ હતી. પોલીસ તપાસના અહેવાલ મુજબ, આરોપી રઝા ડાર વર્ષ ૨૦૨૫ દરમિયાન સિંગાપોરમાં નેધરલેન્ડની નાગરિક સ્ટેફની અદનાના માઉ-અરુન અને વેનેઝુએલાની એસ્ટ્રિડ રોબિન્સન બારાચો નામનારી બંને મહિલાઓને મળ્યા હતા. આ બંને મહિલાઓ ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરતી હતી અને તેમણે રઝા ડારને પોતાના વ્યવસાયમાં આકર્ષક રોકાણ કરવાની ઓફર કરી હતી, જેમાં શરૂઆતમાં રઝાએ મોટું રોકાણ કરીને સારો નફો પણ મેળવ્યો હતો.
ત્યારબાદ રઝા ડારે આ બિઝનેસમાં ૫,૦૦,૦૦૦ ડૉલર (આશરે રૂ. ૪.૭૫ કરોડ) થી વધુની જંગી રકમનું રોકાણ કર્યું હતું, પરંતુ પાછળથી તેમને ન તો કોઈ નફો મળ્યો કે ન તો તેમનું મૂળ રોકાણ પરત મળ્યું. આ નાણાકીય વિવાદ અને ભારે ખોટને કારણે બંને પક્ષો વચ્ચે ભારે તણાવ અને મનદુઃખ ઊભું થયું હતું, જેણે પાછળથી અત્યંત હિંસક અને અપરાધિક રૂપ ધારણ કરી લીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
લાહોરની કોર્ટે આ ગંભીર કેસની સુનાવણી હાથ ધરીને આગામી ૯ ડિસેમ્બરે ફરિયાદ પક્ષને કોર્ટમાં સાક્ષીઓ રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં આગામી દિવસોમાં કાનૂની કાર્યવાહી વધુ તેજ બનશે અને જો આરોપો સાબિત થશે તો નાયબ વડા પ્રધાનના પરિવાર માટે મોટી મુશ્કેલીઓ સર્જાવાની પૂરી સંભાવના છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
