News of Monday, 7th September 2026
પાલઘર હોસ્પિટલ પર શિવસેનાના પદાધિકારીઓનો હુમલો: નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે લાલઘૂમ, કહ્યું- "કાયદો હાથમાં લેનારાઓ સામે સખત કાર્યવાહી થશે!"
દહીં હાંડીના ઘાયલોની સારવારના બિલ અંગે વિવાદ બાદ ડૉક્ટરો અને મહિલા સ્ટાફ પર હુમલો; શિંદેએ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની આપી ચેતવણી, ૧૭ લોકો સામે કેસ દાખલ

પાલઘર : મહારાષ્ટ્રના પાલઘર સ્થિત એક હોસ્પિટલમાં શિવસેનાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને તોડફોડની ઘટના પર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આ ઘટનાને અત્યંત "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવીને કડક શબ્દોમાં નિંદા કરી છે. શિંદેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હોસ્પિટલ કે ડૉક્ટરો પર હુમલો કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી ઉપરાંત પક્ષ તરફથી પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને તેમને પક્ષમાંથી બરતરફ કરવામાં આવશે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ૫ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા દહીં હાંડી ઉત્સવ દરમિયાન થઈ હતી. માનવ પિરામિડ બનાવતી વખતે ઈજાગ્રસ્ત થયેલા ૭ ગોવિંદાઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ ગંભીર ઈજાઓ ધરાવતા દર્દીઓના સીટી સ્કેન અને એક્સ-રે કરીને તેમને ૨૪ કલાક નિરીક્ષણ હેઠળ રાખવાની સલાહ આપી હતી. જોકે, સારવારના બિલ અને નિદાન પ્રક્રિયાની ચુકવણી બાબતે મોડી રાત્રે ૧:૧૫ વાગ્યે શિવસેનાના પદાધિકારીઓએ હોસ્પિટલમાં ધસી આવીને હોબાળો મચાવ્યો હતો અને કથિત રીતે મહિલા સ્ટાફને ધમકાવી કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી.
આ શરમનાક ઘટનાના સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચોમેરથી ભારે ફિટકાર વરસી રહ્યો છે. ઘટના અંગે ગંભીર નોંધ લઈને પાલઘર પોલીસે શિવસેનાના જિલ્લા વડા કુંદન સાંખે સહિત ૧૭ લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાયબ મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની છૂટ આપવામાં આવશે નહીં.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
