News of Wednesday, 16th September 2026
પેપર લીક અને ગેરરીતિઓ પર કડક લગામ: NTA ના સંપૂર્ણ કાયાકલ્પ માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું!
પરીક્ષા કેન્દ્રો પર CISF નું કડક સુરક્ષા કવચ, NEET-UG ને કમ્પ્યુટર-બેઝ્ડ (CBT) બનાવવા મંથન: નંદન નિલેકણી અને ડો. રાધાકૃષ્ણન સમિતિની ભલામણો આધારે મોટા સુધારા

નવી દિલ્હી, તા.૧૬: દેશમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમતી પેપર લીકની ઘટનાઓ અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની સંપૂર્ણ કાર્યપ્રણાલીમાં પાયાના સ્તરેથી મોટો ફેરફાર કરવા માટે સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કરીને હાથ ધરાયેલા સંસ્થાકીય સુધારાઓની વિગતવાર માહિતી આપી છે. આ સોગંદનામા દ્વારા કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે હવેથી દરેક રાષ્ટ્રીય પરીક્ષા સંપૂર્ણ પારદર્શી, ભરોસાપાત્ર અને આધુનિક સુરક્ષા ટેકનોલોજીથી સજ્જ હશે.
CISF નો કડક પહેરો અને બહુ-સ્તરીય સુરક્ષા સિસ્ટમ
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, NTA ના મિંટો રોડ સ્થિત પરિસરમાં પ્રવેશ નિયંત્રણ, સ્ક્રીનિંગ અને ફિઝિકલ ચેકિંગ માટે 39 CISF જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે, જ્યાં X-Ray બેગેજ મશીન અને મેટલ ડિટેક્ટર પણ લગાવાયા છે. પ્રશ્નપત્ર તૈયાર કરવા, ભાષાંતર, પ્રિન્ટિંગથી લઈને OMR શીટ પરત મેળવવા સુધીના તમામ તબક્કા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન QR કોડ ટ્રેકિંગ, બાયોમેટ્રિક ફેશિયલ ઓથેન્ટિકેશન, AI ટૂલ્સ, લાઈવ CCTV અને મોબાઈલ જામરનો ઉપયોગ કરવામાં આવશે.
NEET-UG ને ઓનલાઈન (CBT) કરવા માટે વિચારણા
હાઈ-લેવલ કમિટીના ભાગરૂપે નંદન નિલેકણી ટાસ્ક ફોર્સ દ્વારા NEET-UG પરીક્ષાને પરંપરાગત પેન-પેપર પદ્ધતિમાંથી બદલીને કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટિંગ (CBT) મોડમાં ફેરવવાની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. આ નિર્ણય લેતી વખતે ગ્રામીણ વિસ્તારો, મહિલાઓ અને ઓછી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોના ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સાયબર સિક્યોરિટી અને વરિષ્ઠ અધિકારીઓની ભરતી
એજન્સીની માહિતી સુરક્ષાને સુદ્રઢ કરવા માટે સમર્પિત ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર (CISO) ની નિમણૂક કરવામાં આવી છે અને CERT-In તેમજ C-DAC દ્વારા થર્ડ-પાર્ટી સાયબર સિક્યોરિટી ઓડિટ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, NTA નું પ્રશાસન મજબૂત કરવા ઓગસ્ટ ૨૦૨૬ માં જ ૧૪ નવા વરિષ્ઠ અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે. ડો. કે. રાધાકૃષ્ણન સમિતિની ૧૦૧ ભલામણો અને ૨૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ ગઠિત નંદન નિલેકણી ટાસ્ક ફોર્સના સૂચનો આધારે NTA નો આ નવો અવતાર ભવિષ્યની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને સંપૂર્ણપણે ફૂલપ્રૂફ બનાવશે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
