<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

"માતા-પિતા પોતાના 'સન્માન' માટે કાયદાનો દુરુપયોગ કરે છે": કિશોરોના પ્રેમ સંબંધોમાં POCSO એક્ટના વરવા ઉપયોગ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

૧૫ થી ૧૮ વર્ષની ઉંમર સંવેદનશીલ, ભાગીને લગ્ન કરી લેતા સગીરો પર કાયદાનો કોરડો વીંઝીને કોઈનું ભવિષ્ય બરબાદ ન કરી શકાય : કોલકાતા હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટની ગંભીર સુનાવણી

નવી દિલ્હી: કિશોરાવસ્થામાં થતા પ્રેમ સંબંધો અને ત્યારબાદ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સાઓમાં કડક પોક્સો  કાયદાના થઈ રહેલા બેફામ દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટે અત્યંત આકરી ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, જ્યારે કોઈ કિશોરવયની દીકરી પોતાની મરજીથી સાથી પસંદ કરી લે છે, ત્યારે પરિવાર તેને સ્વીકારવાને બદલે માત્ર પોતાના કથિત "સામાજિક સન્માન કે આબરૂ" ને બચાવવા માટે સામે પક્ષે ગંભીર ગુનાહિત કેસ દાખલ કરી દે છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય વ્યવસ્થાને પણ કડક સવાલ પૂછ્યો હતો કે, કોઈ છોકરો અને છોકરી પરસ્પર સંમતિથી સાથે જાય તો રાજ્ય તેને કેવી રીતે અને ક્યાં સુધી રોકી શકે?

આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટે કિશોરોના "ગોપનીયતાના અધિકાર" (Right to Privacy) પર લીધેલા સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) બાદ ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં, કોલકાતા હાઈકોર્ટે અગાઉ એક કેસમાં ટિપ્પણી કરી હતી કે સગીર વયની છોકરીઓએ સંબંધો બાંધવાને બદલે પોતાની શારીરિક ઈચ્છાઓ પર કાબૂ રાખવો જોઈએ. હાઈકોર્ટના આ અણછાજતા વલણને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધું હતું. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલોએ કોર્ટને જણાવ્યું કે, જે કેસના આધારે હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી, તેમાં સગીરાએ જે ૨૫ વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હતા, તેની સાથે તે અત્યારે પત્ની તરીકે ખુશખુશાલ જીવન જીવી રહી છે અને તેમને એક બાળક પણ છે. પરંતુ આપણી કાયદાકીય સિસ્ટમ ૧૭-૧૮ વર્ષના છોકરાઓને જેલમાં ધકેલીને તેમનું ભવિષ્ય ધૂળમાં મેળવી રહી છે.

વર્ષ ૨૦૧૨ માં શારીરિક સંબંધો માટે સંમતિની ઉંમર ૧૬ થી વધારીને ૧૮ વર્ષ કરવામાં આવી હતી, જેના કારણે આવા કિસ્સાઓ કાયદાની નજરમાં ગેરકાયદેસર અને બળાત્કારની શ્રેણીમાં આવી જાય છે. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, કાયદો બાળકોના જાતીય શોષણને રોકવા માટે છે, નહિ કે પરસ્પર સંમતિથી બનેલા સંબંધોને સજા આપવા માટે. તેથી સરકાર અને કોર્ટના માર્ગદર્શિકા વ્યવહારુ હોવા જોઈએ. જો કે, કેન્દ્ર સરકારે આના ઉકેલ માટે ધોરણ ૬ થી જ શાળાઓમાં પોક્સો કાયદા અને લિંગ શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાની યોજના રજૂ કરી છે. જ્યારે કેન્દ્ર તરફથી આ કેસોના મોનિટરિંગ માટે અલગ ડેશબોર્ડ બનાવવાની દરખાસ્ત મૂકાઈ, ત્યારે સુપ્રીમ કોર્ટે તેને નકારી કાઢીને કહ્યું કે દરેક હાઈકોર્ટ પાસે ઓલરેડી ચાઈલ્ડ રાઈટ્સ કમિટી છે, તેથી આમાં કેન્દ્રના દખલની જરૂર નથી. આ અતિ સંવેદનશીલ મુદ્દે હવે આગામી સુનાવણી ૧૭ જુલાઈએ થશે.

(7:06 PM IST)