News of Monday, 22nd June 2026
મુસાફરોને પરચુરણની પળોજણમાંથી મળી મુક્તિ: ગુજરાત એસ.ટી. નિગમે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, ઓનલાઈન ટિકિટિંગ તરફ વધ્યો જનતાનો વિશ્વાસ
કંડક્ટરો પાસે ઈ-ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવાતા માત્ર ૧૨ મહિનાના ટૂંકા ગાળામાં રાજ્યભરમાં ૧.૦૩ કરોડથી વધુ મુસાફરોએ ક્યુઆર કોડ સ્કેન કરીને ભાડું ચૂકવ્યું

ગાંધીનગર: સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં જ્યારે ડિજિટલ ક્રાંતિ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના 'ડિજિટલ ઇન્ડિયા' અભિયાનને વેગ આપતા એસ.ટી. નિગમ દ્વારા બસોમાં શરૂ કરાયેલી ઓનલાઈન ક્યુઆર (QR) કોડ પેમેન્ટ સિસ્ટમ ખૂબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય સાબિત થઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં અંદાજે ૧.૦૩ કરોડથી વધુ મુસાફરોએ આ સુવિધાનો લાભ ઉઠાવીને કેશલેસ પદ્ધતિથી પોતાની સફર પૂર્ણ કરી છે.
વાહન વ્યવહાર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ એસ.ટી. બસોમાં મુસાફરી કરતી વખતે છુટ્ટા પૈસા અથવા પરચુરણને લઈને મુસાફરો અને કંડક્ટરો વચ્ચે અવારનવાર વિવાદો થતા જોવા મળતા હતા. આ સમસ્યાના કાયમી નિવારણ માટે નિગમ દ્વારા તમામ રૂટની બસોના કંડક્ટરોને એન્ડ્રોઇડ બેઝ્ડ ઈલેક્ટ્રોનિક ટિકિટ ઇસ્યુઇંગ મશીન (E-TIM) ફાળવવામાં આવ્યા હતા. આ મશીનમાં જ ક્યુઆર કોડ જનરેટ થવાની ઇન-બિલ્ટ વ્યવસ્થા હોવાને કારણે મુસાફરો પોતાના મોબાઈલમાંથી ગુગલ પે, ફોન પે, પેટીએમ અથવા ભીમ યુપીઆઈ (UPI) જેવા કોઈપણ માધ્યમથી માત્ર થોડી સેકન્ડોમાં ભાડાની રકમ ચૂકવી શકે છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આ આંકડાઓ દર્શાવે છે કે શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામીણ વિસ્તારોની જનતા પણ હવે સ્માર્ટ પેમેન્ટ તરફ વળી રહી છે. લાંબા અંતરની વોલ્વો, સ્લીપર કોચ અને ગુર્જરનગરી બસો ઉપરાંત સ્થાનિક લોકલ રૂટો પર પણ ક્યુઆર કોડ સ્કેનિંગનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ આધુનિકીકરણને કારણે એસ.ટી. નિગમની વહીવટી કામગીરીમાં પણ પારદર્શિતા આવી છે અને દરરોજ એકત્રિત થતા રોકડ નાણાંની ગણતરી તેમજ બેંકિંગ વ્યવહારોનો સમય બચી રહ્યો છે. આગામી દિવસોમાં આ સુવિધાને વધુ સુદ્રઢ બનાવીને સો ટકા કેશલેસ મુસાફરી તરફ આગળ વધવાનું આયોજન નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
