<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ઈરાનમાં આર્થિક સંકટને પગલે લોકો વેચી રહ્યા છે શરીરના અંગ

ટેલિગ્રામ પર ૬૦૦થી વધુ જાહેરાતોમાં કિડની, બોન મેરો, લિવર અને કોર્નિયા વેચવાની ઓફર કરાઈ : દેવું ચૂકવવા કે બાળકોના ભવિષ્‍ય માટે લોકો આ પગલું ભરી રહ્યા છે. અમેરિકી પ્રતિબંધો અને મધ્‍ય પૂર્વમાં તણાવને કારણે ઈરાનની અર્થવ્‍યવસ્‍થા કથળી

તહેરાન તા..૧૬: ઈરાનમાં વધી રહેલા આર્થિક સંકટ અને વધતા દેવાએ સામાન્‍ય લોકોને પોતાના શરીરના અંગો વેચવા માટે મજબૂર કરી દીધા છે. ઈરાન ઈન્‍ટરનેશનલના એક તપાસ અહેવાલ મુજબ, ટેલિગ્રામ પર ૬૦૦ થી વધુ એવી જાહેરાતો મળી આવી છે જેમાં લોકો કિડની, બોન મેરો, લિવર, અંડકોષ અને આંખોની કીકી એટલે કે કોર્નિયા વેચવાની ખુલ્‍લી ઓફર કરી રહ્યા છે.

અંગોની વિગતોઃ ગત મે માસથી ઓક્‍ટોબર વચ્‍ચે એક ટેલિગ્રામ ચેનલ પર મળેલી ૬૦૦ થી વધુ જાહેરાતોની તપાસમાં સામે આવ્‍યું છે કે, ૪૯૮ જાહેરાતોમાં કિડની, ૨૭૯માં બોન મેરો, ૫૧માં લિવર, ૧૫માં અંડકોષ અને ૨ જાહેરાતોમાં કોર્નિયા વેચવાની દરખાસ્‍ત મૂકવામાં આવી હતી. લગભગ દર ત્રીજી જાહેરાતમાં એકથી વધુ અંગો વેચવાની ઓફર હતી.

મજબૂરીની કહાનીઓઃ એક પિતાએ પોતાની પુત્રીનું ભવિષ્‍ય સુરક્ષિત કરવા માટે, તો એક નિષ્‍ફળ વ્‍યાપારીએ દેવું ચૂકવવા માટે પોતાના અંગો વેચવાની તૈયારી દર્શાવી છે. બે દીકરીઓની સંભાળ રાખતી એક સિગલ મધરે પણ ઘરના મૂળભૂત ખર્ચ માટે ખરીદદાર શોધતી હોવાનું જણાવ્‍યું છે.

મિડલ ઈસ્‍ટના તણાવ, અમેરિકી નૌસેનાની નાકેબંધી અને કડક પ્રતિબંધોએ ઈરાનની અર્થવ્‍યવસ્‍થાની કમર તોડી નાખી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ચેતવણી આપી છે કે આગામી મહિનાઓમાં ઈરાનની આર્થિક સ્‍થિતિ વધુ વણસી શકે છે. બીજી તરફ, રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશકિયાનનું પ્રશાસન લાંબા સમય સુધી પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યું છે.(૩૮.૪)

 

(10:13 AM IST)