News of Wednesday, 27th May 2026
ગુજરાતનાં લોકો તેલ ખાવામાં આગળઃ શાકભાજી ખાવામાં પાછળ
ગુજરાતના શહેરી વિસ્તારોના રહેવાસીઓ દર ૩૦ દિવસે વ્યક્તિદીઠ ૧.૪૨૨ કિલો ખાદ્યતેલ વાપરે છેઃ ગ્રામીણ ગુજરાતમાં પણ દર મહિને વ્યક્તિદીઠ ૧.૨ કિલો તેલના વપરાશ સાથે યાદીમાં ટોચ પર : ગુજરાતના શહેરી રહેવાસીઓ દર ૩૦ દિવસે વ્યક્તિદીઠ માત્ર ૫.૨૫૧ કિલો શાકભાજી ખાય છે, જે ભલામણ કરાયેલા ૧૨ કિલોના અડધા કરતાં પણ ઓછું છેઃ ગ્રામીણ ગુજરાતમાં તો આ પ્રમાણ તેનાથી પણ ઓછું, એટલે કે ૪.૭૮૯ કિલો છે

નવી દિલ્હી તા.૨૭: ગુજરાતીઓની ઓળખ વેપારી સહિત ફાફડા-ગાંઠિયા અને ફરસાણ ખાનારા લોકો તરીકેની પણ છે. જોકે એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ ગુજરાતના શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં રહેતા પરિવારો અન્ય તમામ રાજ્યો કરતાં વધુ ખાદ્યતેલનો વપરાશ કરે છે. રાજ્યમાં તેલનો વપરાશ સૌથી વધારે હોવા છતાં શાકભાજી ખાવાનું પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે ઘણું ઓછું છે.
રિપોર્ટ અનુસાર, ગુજરાતના શહેરી વિસ્તારોના રહેવાસીઓ દર ૩૦ દિવસે વ્યક્તિદીઠ ૧.૪૨૨ કિલો ખાદ્યતેલ વાપરે છે. જે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ છે. ગ્રામીણ ગુજરાતમાં પણ દર મહિને વ્યક્તિદીઠ ૧.૨ કિલો તેલના વપરાશ સાથે યાદીમાં ટોચ પર છે. આ બંને આંકડા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ભલામણ કરાયેલી ૦.૮૧ કિલોની મર્યાદા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
બીજી તરફ, શાકભાજીનો વપરાશ ચિતાજનક રીતે ઓછો છે. ગુજરાતના શહેરી રહેવાસીઓ દર ૩૦ દિવસે વ્યક્તિદીઠ માત્ર ૫.૨૫૧ કિલો શાકભાજી ખાય છે, જે ભલામણ કરાયેલા ૧૨ કિલોના અડધા કરતાં પણ ઓછું છે. ગ્રામીણ ગુજરાતમાં તો આ પ્રમાણ તેનાથી પણ ઓછું, એટલે કે ૪.૭૮૯ કિલો છે. રાષ્ટ્રીય સ્તરે, શાકભાજીના વપરાશમાં શહેરી ગુજરાત ૨૫મા ક્રમે અને ગ્રામીણ ગુજરાત ૨૮મા ક્રમે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, આ આંકડા ઝડપથી બદલાતી ખાણીપીણીની આદતો, પ્રોસેસ્ડ અને તળેલા ખોરાક પર વધતી નિર્ભરતા અને તમામ ઉંમરના લોકોમાં વધતી જતી સ્નેકિગ કલ્ચર દર્શાવે છે. આજના સમયમાં વ્યસ્ત શિડ્યુલને કારણે લોકો ઘણીવાર પ્રોપર જમવાને બદલે નાસ્તો કરી લે છે. માત્ર ૫ રૂપિયામાં પેકેજ્ડ ફૂડ મળી જાય છે, અને ઓનલાઈન ડિલિવરીને લીધે તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ મિનિટોમાં ઉપલબ્ધ થઈ જાય છે. આ બાબત સીધી રીતે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હૃદય રોગના વધતા કેસોમાં ફાળો આપી રહી છે.
ગુજરાતમાં કઠોળનો વપરાશ મધ્યમ રહ્યો છે પરંતુ હજી પણ તે ICMR ની ભલામણો કરતાં ઓછો છે. દર મહિને વ્યક્તિદીઠ ૦.૯૮૩કિલો કઠોળના વપરાશ સાથે શહેરી ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ૧૦મા ક્રમે છે, જ્યારે ગ્રામીણ ગુજરાત ૦.૮૨૮ કિલો સાથે ૧૬મા ક્રમે છે.
દૂધનો વપરાશ સરખામણીએ સારો હતો. શહેરી પરિવારો દર ૩૦ દિવસે વ્યક્તિદીઠ ૮.૦૯૮ કિલો દૂધ અને દૂધની બનાવટોનો વપરાશ કરે છે, જ્યારે ગ્રામીણ પરિવારો ૬.૬૫૫ કિલો વપરાશ કરે છે. જો કે, આ બંને આંકડા ICMR ની ૯ કિલોની ભલામણ કરતા ઓછા છે.
સૂત્રોએ જણાવ્યું કે, શાકભાજીના ઓછા વપરાશની સાથે તેલનો આટલો વધુ વપરાશ લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો ઊભા કરી રહ્યો છે. બહાર ખાવું અને એપ આધારિત ફૂડ ઓર્ડર કરવું હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેમાં ખરેખર હેલ્ધી ઓપ્શન્સ બહુ ઓછા હોય છે. ખરાબ આહાર પદ્ધતિ અને વ્યસ્ત જીવનશૈલી એ યુવાનોમાં હાઈ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના વધતા કેસો પાછળના મુખ્ય કારણો છે. આ અભ્યાસમાં માત્ર ખાદ્યતેલની જ ગણતરી કરવામાં આવી હતી અને મોટા પાયે વપરાતા ઘી અને માખણ (બટર) ને ગણતરીમાં લેવાયા નથી. આપણે જેટલી કેલરી બર્ન કરીએ છીએ તેના કરતાં વધુ કેલરી લઈ રહ્યા છીએ, અને જેઓ કસરત કરે છે તેમનામાં પણ ડાયેટરી ઈમ્બેલેન્સ જોવા મળે છે. વિભક્ત પરિવારો અને વ્યસ્ત પ્રોફેશનલ લાઈફને કારણે ફૂડ ઓર્ડર કરવું એ રૂટિન બની ગયું છે. આવી સ્થિતિમાં ભોજનનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
