News of Friday, 15th May 2026
પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ રૂ.૪૫૮.૮૬ અને ડિઝલનો ભાવ રૂ.૫૨૦.૪૨ છે
શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ રૂ.૩૯૮ તો ડિઝલજો ભાવ રૂ.૩૮૨ છે નેપાળ-બાંગ્લાદેશમાં પણ ઈંધણના ભાવ રાડ બોલાવી દયે તેવાઃ ભારતમાં રૂ.૩ વધ્યા ત્યાં દેકારો મચી ગયો

નવી દિલ્હી, તા.૧૫: ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થયેલા ઈરાન યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનની જીવાદોરી સમાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $૧૦૦ને પાર કરી ગયા છે. વિશ્વનું ૨૦% તેલ આ જ માર્ગેથી પસાર થતું હોવાથી સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ વૈશ્વિક કટોકટીની અસરના ભાગરૂપે ભારતમાં પણ ૧૫ મેના રોજ પેટ્રોલના ભાવમાં રૂ.૩.૧૪ અને ડીઝલમાં રૂ.૩.૧૧નો સામાન્ય વધારો ઝીંકાયો છે, જેનાથી દિલ્હીમાં પેટ્રોલ રૂ.૯૭.૯૧ અને ડીઝલ રૂ.૯૦.૭૮ પ્રતિ લિટર પર પહોંચ્યું છે. જોકે, આ આંચકા છતાં પડોશી દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ આજે પણ અત્યંત મજબૂત અને સ્થિર છે.
બીજી તરફ, સરહદ પાર પાકિસ્તાનમાં આર્થિક પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર જતી રહી છે. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ ૬૪% અને ડીઝલ ૬૧% મોંઘું થતાં ત્યાં ભારતીય ચલણ મુજબ પેટ્રોલ રૂ.૧૫૭.૩૪ અને ડીઝલ રૂ.૧૭૮.૪૫ (પાકિસ્તાની કરન્સીમાં રૂ.૪૫૮.૮૬ અને રૂ.૫૨૦.૪૨) પ્રતિ લિટરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. ત્યાંના પેટ્રોલિયમ મંત્રીએ જ્યારે આ ભાવવધારાની જાહેરાત કરી ત્યારે જનતા સ્તબ્ધ થઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પાકિસ્તાન સરકારે દેશમાં વીજળી અને ઇંધણ બચાવવા માટે ચાર દિવસનું કાર્યકારી સપ્તાહ અને શાળાઓ બંધ રાખવા જેવા અભૂતપૂર્વ અને કડક પગલાં લેવા પડ્યા છે.
નેપાળ અને શ્રીલંકાની હાલત પણ આ વૈશ્વિક જંગમાં અત્યંત દયનીય બની ચૂકી છે. નેપાળમાં માત્ર એપ્રિલ મહિનામાં જ ચાર વખત ભાવ વધારીને પેટ્રોલ રૂ.૨૧૯ (નેપાળી રૂપિયા) કરી દેવાયું છે, જે તેને દક્ષિણ એશિયામાં સૌથી મોંઘું ઇંધણ વેચતો દેશ બનાવે છે. નેપાળ તેની જરૂરિયાત માટે ૧૦૦% આયાત પર નિર્ભર હોવાથી ત્યાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા હવે રોજીંદી ખાવા-પીવાની વસ્તુઓ પણ આસમાને પહોંચી ગઈ છે. બીજી તરફ શ્રીલંકામાં ઓટો ડીઝલ રૂ.૩૮૨ પર પહોંચતા સરકારે ઓફિશિયલ રેશનિંગ લાગુ કરવું પડ્યું છે, એટલે કે હવે નાગરિકો પોતાની મરજી મુજબનું ઇંધણ પણ ખરીદી શકતા નથી અને શાળાઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
આ જ શ્રેણીમાં બાંગ્લાદેશે પણ સબસિડીનો આર્થિક બોજ ન ખમી શકતા કિંમતોમાં ૧૬% સુધીનો તોતિંગ વધારો કર્યો છે, જેના કારણે અત્યારે ત્યાંના અડધાથી વધુ પેટ્રોલ પંપો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે અને લોકો તેલ માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આ આખી આપત્તિમાં ભારતનો રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનો અને પોતાના પુરવઠાસ્ત્રોતોનો વિસ્તાર કરવાનો માસ્ટરસ્ટ્રોક અદ્ભુત કામ કરી ગયો છે. ભારત સરકાર અને રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારના મોટા આંચકાને પોતે જ સહન કર્યો અને સામાન્ય જનતા પર ફુગાવાનો મોટો બોજ આવવા દીધો નથી, જે આ વૈશ્વિક માહોલમાં કોઈ ચમત્કારથી ઓછું નથી
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
