<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

પીએફધારકો ઘરેબેઠા WhatsApp પર જ પોતાના પીએફ ખાતાનું બેલેન્સ છેલ્લા 5 વ્યવહારો અને પાસબુકની વિગતો જોઈ શકશે.

કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સબ્સ્ક્રાઇબર્સ માટે વોટ્સએપ આધારિત નવી સેવા શરૂ કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સબ્સ્ક્રાઇબર્સ માટે વોટ્સએપ આધારિત નવી સેવા શરૂ કરી છે. આ સુવિધાથી પીએફધારકો ઘરેબેઠા WhatsApp પર જ પોતાના PF ખાતાનું બેલેન્સ છેલ્લા 5 વ્યવહારો અને પાસબુકની વિગતો સરળતાથી જોઈ શકશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ વોટ્સએપ દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઇપીએફઓ) સેવાઓની જાણકારી ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી હતી. આ જાણકારી શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં આપી હતી.

મંત્રાલયના નિવેદન અનુસાર આ સુવિધા હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ(ઇપીએફ)ના સબ્સ્ક્રાઇબર્સ ઇપીએફઓની પ્રમાણિત વોટ્સએપ સેવા દ્વારા તેમના પીએફ ખાતાનું બેલેન્સ, છેલ્લા પાંચ વ્યવહારો અને પાસબુકની વિગતો જોઇ શકશે. ઉપરાંત વ્યક્તિગત માર્ગદર્શન પણ મળશે અને પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના(પીએમવીબીઆરવાય) સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં પણ મદદ મળશે.

આ સેવાથી રોજિંદી સેવાઓ મોબાઇલ ફોન પર સરળતાથી ઉપલબ્ધ થશે અને લોકોને ઇપીએફઓ ઓફિસના ધક્કા ખાવાની જરૂર ઓછી રહેશે. પ્રધાને ઇપીએફઓના ૭૪મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે નિષ્ક્રિય ઇપીએફ ખાતાઓ માટે ઓટોમેટિક સેટલમેન્ટ સુવિધા પણ શરૂ કરી હતી, જે અંતર્ગત ૧૦૦૦ રૂપિયા સુધીની થાપણો ધરાવતા આધાર દ્વારા પ્રમાણિત કરાયેલા નિષ્ક્રિય ઇપીએફ ખાતાઓના સબ્સ્ક્રાઇબર્સને અલગથી દાવા અરજીઓ જમા કરવાની જરૂર નહીં રહે.

મંત્રાલયના જણાવ્યા મુજબ ઇપીએફઓ ઓળખ અને બેંક ખાતાઓની નિર્ધારિત ચકાસણી કર્યા બાદ પાત્ર ખાતાઓનું સેટલમેન્ટ આપમેળે શરૂ કરશે. આથી પાત્ર લાભાર્થીઓને તેની બાકી રકમ ટ્રાન્સફર કરી શકાશે. આ સુવિધાથી આશરે એક લાખ ખાતાઓને લાભ થવાનો અંદાજ છે, જેમાં કુલ પાંચ કરોડ રૂપિયા જમા છે.

(11:06 PM IST)