News of Sunday, 8th November 2026
દિવાળીના પવિત્ર મુહૂર્તે શેરબજારમાં ટ્રેડિંગના અંતે ચિત્ર બદલાઈ ગયું : ક્લોઝિંગ સુધીમાં બંને સૂચકાંકો લાલ નિશાનમાં સરકી ગયા
શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીએ સારી દોડ લગાવી: 9 વર્ષ બાદ પ્રથમવાર ઘટાડો :કેટલાક શેરોએ બજારના નકારાત્મક માહોલ વચ્ચે પણ પોતાની અલગ ચમક બતાવી

મુંબઈ :દિવાળીનો તહેવાર સામાન્ય રીતે શેરબજાર માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે યોજાતા મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણકારો નવા સંવતની શરૂઆત આશાવાદ સાથે કરે છે. જોકે, દિવાળી 2026ના મુહૂર્ત ટ્રેડિંગમાં બજારનું ચિત્ર કંઈક અલગ જોવા મળ્યું હતું. શરૂઆતમાં જોરદાર તેજી નોંધાયા બાદ સેન્સેક્સ અને નિફ્ટી અંતે ઘટાડા સાથે બંધ થયા હતા. ખાસ વાત એ છે કે છેલ્લા 9 વર્ષમાં પ્રથમવાર દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર લાલ નિશાનમાં બંધ થયું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 29 પોઈન્ટ એટલે કે 0.04 ટકાના ઘટાડા સાથે 80,999.40 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 414 પોઈન્ટની તેજી સાથે 81,442.11ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, અંતિમ કલાકોમાં આ તેજી ટકી શકી નહોતી. દિવસ દરમિયાન સેન્સેક્સ 80,932.42ના નીચલા સ્તરે પણ પહોંચ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 43.95 પોઈન્ટ એટલે કે 0.18 ટકાના ઘટાડા સાથે 24,986.40 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 25,131.85ના ઊંચા સ્તરે પહોંચ્યો હતો, પરંતુ અંતે 25 હજારની સપાટી જાળવી શક્યો નહોતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડિગો, ટ્રેન્ટ, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ અને HDFC બેંકના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. SBI, ICICI બેંક અને TCS પણ લાલ નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ, સન ફાર્માના શેરમાં આશરે 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. SBI લાઇફ, ઇન્ડિગો અને ભારતી એરટેલના શેરોમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
વર્ષ 2017 બાદ પ્રથમવાર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું છે. 2017માં નિફ્ટીમાં 0.63 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં પણ શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
