<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

માતા વૈષ્ણોદેવી ભવન જવાના માર્ગ પર ભારે ભૂસ્ખલન થતાં યાત્રા પર અસ્થાયી રોક

શ્રાઇન બોર્ડ અને પોલીસની ટીમો દ્વારા સતત પરિસ્થિતિ પર નજર : સ્થિતિને ધ્યાનમાં રાખીને જૂના પરંપરાગત માર્ગ પરથી કેટલાક શ્રદ્ધાળુઓને ધીમે-ધીમે આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

 કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી ભવન જવાના માર્ગ પર અચાનક ભારે ભૂસ્ખલન થતાં યાત્રા આગામી આદેશ સુધી અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પ્રશાસને આ નિર્ણય લીધો છે. જોકે, સ્થિતિને ધ્યાનમાં રાખીને જૂના પરંપરાગત માર્ગ પરથી કેટલાક શ્રદ્ધાળુઓને ધીમે-ધીમે આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પોલીસ, શ્રાઇન બોર્ડ અને રાહત એજન્સીઓની ટીમો તહેનાત છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. શ્રદ્ધાળુઓને અફવાઓથી દૂર રહેવા અને માત્ર શ્રાઇન બોર્ડના સત્તાવાર સૂચનોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

પ્રશાસને બુધવારે બપોરે લગભગ 3 વાગ્યે નવા તારાકોટ-ભવન માર્ગ (બેટરી કાર માર્ગ)ને આગામી આદેશ સુધી અસ્થાયી રીતે બંધ કરી દીધો હતો અને બેટરી કાર સેવા સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી હતી. આ પહેલાં મંગળવારે રાત્રે 10 વાગ્યે પણ આ માર્ગ બંધ કરવો પડ્યો હતો, જેને બુધવારે સવારે સફાઈ કામગીરી બાદ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ખરાબ વિઝિબિલિટી અને ફુલ પવનને કારણે કટરાથી સાંઝીછત વચ્ચે ચાલતી હેલિકોપ્ટર સેવા પણ આખો દિવસ બંધ રહી હતી. જ્યારે ભવનથી ભૈરવ ઘાટી વચ્ચે ચાલતી રોપવે સેવા પણ થોડા કલાકો માટે સ્થગિત કરાઈ હતી. જોકે, સાંજે લગભગ 5 વાગ્યે હવામાન સુધરતાં તેને ફરી શરૂ કરવામાં આવી હતી.

(1:00 AM IST)