News of Sunday, 3rd May 2026
મહાયુદ્ધની જ્વાળાઓ વચ્ચે સમુદ્રી ચાંચિયાઓનો આતંક: એડનની ખાડીમાં ઓઈલ ટેન્કરનું અપહરણ કરી સોમાલિયા તરફ પલાયન
અમેરિકા-ઈરાન ટકરાવ વચ્ચે દરિયાઈ લૂંટારુઓએ 'યુરેકા' ટેન્કર પર કબજો જમાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ: શિપિંગ રૂટ પર સર્જાયેલું નવું જોખમ

એડન : એક તરફ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી હોર્મુઝની ખાડી સળગી રહી છે, ત્યાં બીજી તરફ સમુદ્રી ચાંચિયાઓએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી ધાક જમાવી છે. યમનના તટ નજીક એડનની ખાડીમાં આધુનિક શસ્ત્રો સાથે ત્રાટકેલા લૂંટારુઓએ 'યુરેકા' નામના ઓઈલ ટેન્કરને બંધક બનાવી લીધું છે. ટોગોના ધ્વજ સાથે મુસાફરી કરી રહેલા આ વિશાળ જહાજ પર હુમલાખોરોએ જબરદસ્તી કબજો કરી તેનું સુકાન સોમાલિયાના કિનારા તરફ ફેરવી દીધું હોવાના અહેવાલથી નૌકાદળની એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
યમન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, શબવા પ્રાંત પાસે આ હુમલો થયો હતો અને હાલ ટેન્કરના લોકેશન પર સતત ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શાંત ગણાતા સોમાલિયન ચાંચિયાઓ ફરી સક્રિય થતા દરિયાઈ વેપાર પર સંકટના વાદળો છવાયા છે. એપ્રિલ માસના અંતમાં પણ આવા ત્રણ મોટા હુમલા નોંધાયા હતા, જે દર્શાવે છે કે આ લૂંટારુઓ હવે વધુ સંગઠિત થઈને આંતરરાષ્ટ્રીય જળસીમામાં પડકાર ફેંકી રહ્યા છે.
યુદ્ધના કારણે શિપિંગ રૂટ પહેલેથી જ જોખમમાં છે ત્યારે આ અપહરણની ઘટનાએ ઓઈલ સપ્લાય ચેઈનને મોટો ફટકો માર્યો છે. જોકે આ ઘટનાને વર્તમાન યુદ્ધ સાથે સીધો સંબંધ છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ યમન પ્રશાસન અને આંતરરાષ્ટ્રીય નેવી ફોર્સ ટેન્કરના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત મુક્ત કરાવવા માટે સઘન ઓપરેશન ચલાવી રહી છે. ચાંચિયાઓની આ સક્રિયતાએ વિશ્વભરની સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી દીધી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
