<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

પીએમ મોદીની ઈન્‍સ્‍ટાગ્રામ રીલએ તોડયા તમામ રેકોર્ડઃ ૨૪ કલાકમાં મળ્‍યા ૩૦૩ કરોડથી વધારે વ્‍યૂ

આ સંબોધનથી પીએમ મોદીને જબરદસ્‍ત ફાયદો થયો અને રાતોરાત દસ લાખ નવા ફોલોઅર્સ જોડાયા

નવી દિલ્‍હી,તા.૨૫: વડાપ્રધાન મોદીએ ડિજિટલ વ્‍યૂ મામલે બધા રેકોર્ડ તોડી નાખ્‍યા છે. તેમની એક જ ઇન્‍સ્‍ટાગ્રામ રીલ પર ૨૪ કલાકમાં ૩૦૩ કરોડથી વધારે વ્‍યૂઝ આવ્‍યા છે. આ એક મોટો ગ્‍લોબલ રેકોર્ડ છે. ડિજિટલ દુનિયામાં મળેલી આ જબરદસ્‍ત પ્રતિક્રિયા અગાઉના ૩૦૦ કરોડથી વ્‍યૂઝના વર્લ્‍ડ રેકોર્ડથી પણ આગળ નીકળી ગઈ છે. આ બધું ત્‍યારે થયું, જ્‍યારે નવી દિલ્‍હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મેસેજ શેર કર્યો છે. તેમણે ‘‘ફ્રેન્‍ડ્‍સ, થેન્‍ક્‍યુ'' કહીને પોતાની વાત શરૂ કરી અને દેશના યુવાનો પાસેથી મળેલા ઐતિહાસિક ડિજિટલ રિસ્‍પોન્‍સ અને સારા સૂચનો બદલ તેમનો આભાર માન્‍યો. આ નવો મેસેજ પ્રધાનમંત્રી દ્વારા મોડી રાત્રે પોસ્‍ટ કરાયેલા એક સેલ્‍ફી વીડિયો પછી આવ્‍યો છે. તે વીડિયોમાં તેમણે પરીક્ષાના પેપર લીક થવાને લઈને દેશમાં વધી રહેલી ચિંતા અંગે વાત કરી હતી અને વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્‍યો હતો કે સરકાર કડક કાર્યવાહી કરશે.

વધતા વિરોધ-પ્રદર્શનો અને ભારે રાજકીય દબાણ વચ્‍ચે PM મોદીએ ‘જેન ઝી' સાથે જોડાવા માટે સીધા ડિજિટલ માધ્‍યમનો ઉપયોગ કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર પરીક્ષામાં થતી ગેરરીતિઓને કોઈ મામૂલી વાત નહીં, પરંતુ ખૂબ ગંભીર મામલો માને છે. અડધી રાત્રે આપેલા પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ છેલ્‍લા અઢી મહિનામાં લેવાયેલા મજબૂત પગલાં વિશે વિગતવાર જણાવ્‍યું. આ સંબોધનથી PM મોદીને જબરદસ્‍ત ફાયદો થયો અને રાતોરાત દસ લાખ નવા ફોલોઅર્સ જોડાયા.

તેમણે કહ્યું કે સરકારનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓનું એક મહત્‍વપૂર્ણ શૈક્ષણિક વર્ષ બરબાદ થવાથી બચાવવાનો રહ્યો છે. તેમણે જણાવ્‍યું કે ફરીથી પરીક્ષા સફળતાપૂર્વક આયોજિત કરવા માટે ઝડપથી સંકલન સાધવાની જરૂર હતી. વધુમાં તેમણે જાહેરાત કરી કે કેન્‍દ્રીય મંત્રીમંડળ એક કડક કાનૂની માળખું તૈયાર કરશે. તેમાં પરીક્ષા પેપર લીકમાં સામેલ લોકો અને ગેંગ્‍સ માટે ફાસ્‍ટ-ટ્રેક કોર્ટ અને આકરી સજાની જોગવાઈ હશે.

(3:24 PM IST)