News of Sunday, 20th September 2026
પીએમ મોદીની સ્વર્ગસ્થ માતા પર કથિત ટિપ્પણીથી ભાજપ લાલઘૂમ: રાહુલ ગાંધીના મંચ પરથી થયેલી હરકત સામે વિરોધનો વંટોળ
બ્રિજભૂષણ શરણ સિંહ અને કૈલાશ વિજયવર્ગીયએ સંસ્કારો સામે ઉઠાવ્યા સવાલો: સીએમ યોગી આદિત્યનાથે પણ 'વસુધૈવ કુટુંબકમ' પર વિપક્ષના નેતાને ઘેર્યા

ઇન્દોર : મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીના એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ભારે ગુસ્સામાં છે કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી છે તેમજ તેને અસંસ્કારી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સમાન ગણાવ્યું છે.
ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં એક મિમિક્રી કલાકારે પીએમ મોદીની સ્વર્ગસ્થ માતાના નામની મજાક ઉડાવી હતી. આ પ્રકારની હરકત સામાન્ય ભારતીય પરંપરા અને સંસ્કૃતિના મૂલ્યો વિરુદ્ધ હોવાનું જણાવી ભાજપના આગેવાનોએ આકરા પ્રહારો કર્યા છે.
ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, "લોકસભામાં વિપક્ષના નેતાએ ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓમાં માતાઓનું મહત્ત્વ સમજવું જોઈએ." તેમણે ઉમેર્યું કે, જો તેમના કોઈ કાર્યક્રમમાં કોઈની પણ માતા - પછી તે પીએમ મોદીની હોય કે સામાન્ય નાગરિકની - તેના વિશે આવી ટિપ્પણી થઈ હોત તો તેઓ તેને તુરંત રોકત અને દિલગીરી વ્યક્ત કરત. રાહુલ ગાંધીના મંચ પરથી એક સ્વર્ગસ્થ માતાનું અપમાન થતું હોય અને તેઓ તેના પર હસી રહ્યા હોય તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
દરમિયાન મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં માતાનું સ્થાન સૌથી ઊંચું અને ભગવાન સમકક્ષ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં બાળકોની વચ્ચે એક મિમિક્રી કલાકાર માતાની મજાક ઉડાવીને જતો રહે તે સહન કરી શકાય તેમ નથી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જે લોકોમાં નૈતિક મૂલ્યોનો અભાવ છે અને જેઓ ભારત તથા ભારતીયતાનું અપમાન કરવાનો જ એકમાત્ર હેતુ રાખે છે, તેમની પાસેથી 'વસુધૈવ કુટુંબકમ' ની પવિત્ર ભાવના સમજવાની અપેક્ષા રાખવી નકામી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ એવા લોકો છે જે દેશની ગરિમા અને મહિલાઓના સન્માનને નુકસાન પહોંચાડે છે, જેથી દેશે તેમની પાસેથી કંઈ પણ આશા રાખવાનું બંધ કરી દેવું જોઈએ.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
