<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ પીએમ મોદીની ખાસ પોસ્ટ: સારનાથ બન્યું યુનેસ્કોનું 45મું વર્લ્ડ હેરિટેજ સાઇટ : ભગવાન બુદ્ધના ઉપદેશોને વૈશ્વિક માન્યતા!

28 વર્ષની લાંબી રાહ બાદ દક્ષિણ કોરિયામાં યોજાયેલી સમિટમાં યુનેસ્કોએ સારનાથને આપ્યો 'વર્લ્ડ હેરિટેજ' નો તાજ : ઉત્તર પ્રદેશનું 4 થું વિશ્વ ધરોહર સ્થળ બનતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનને મળશે મોટો વેગ

વારાણસી  :  કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ દ્વારા દેશવાસીઓને એક મોટી ખુશખબરી આપી છે. પીએમ મોદીએ યુનેસ્કો (UNESCO) ની પોસ્ટ શેર કરતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રાચીન અને પવિત્ર બૌદ્ધ તીર્થસ્થળ 'સારનાથ' ને યુનેસ્કોની 'વર્લ્ડ હેરિટેજ લિસ્ટ' માં સામેલ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ ક્ષણને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવતા લખ્યું કે, સારનાથનો ભગવાન બુદ્ધ સાથે ઊંડો સંબંધ છે, જેમનો કરુણા, શાણપણ અને શાંતિનો સંદેશ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે.

સારનાથને મળેલી આ વૈશ્વિક માન્યતા લગભગ 28 વર્ષની લાંબી રાહ જોયા બાદ મળી છે. દક્ષિણ કોરિયાના બુસાન ખાતે યોજાયેલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 48મા સત્રમાં આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ સારનાથ ભારતનું 45મું અને ઉત્તર પ્રદેશનું 4થું વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે. આ પહેલા રાજ્યમાં તાજમહેલ, આગ્રા કિલ્લો અને ફતેહપુર સિક્રીને જ આ દરજ્જો પ્રાપ્ત હતો. વર્ષ 1998 થી યુનેસ્કોની અસ્થાયી યાદીમાં સામેલ સારનાથને આ સફળતા મળતા હવે પૂર્વાંચલ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય પર્યટન અને બૌદ્ધ સર્કિટનો અભૂતપૂર્વ વિકાસ થશે.

યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી આ ધરોહરમાં ચોખંડી સ્તૂપ અને સારનાથના સમગ્ર પુરાતત્વીય સંકુલનો સમાવેશ થાય છે. આ એ જ ઐતિહાસિક ભૂમિ છે જ્યાં ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ બાદ પોતાના પ્રથમ પાંચ શિષ્યોને પહેલો ઉપદેશ આપીને "ધર્મચક્ર પ્રવર્તન" ની શરૂઆત કરી હતી. પ્રાચીન ગ્રંથોમાં 'ઋષિપટ્ટન' તરીકે ઓળખાતા સારનાથના આ પવિત્ર સંકુલમાં ધમેક સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ, પ્રાચીન મઠોના અવશેષો અને પ્રસિદ્ધ અશોક સ્તંભ આવેલા છે, જે હવે વિશ્વ સ્તર પર ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક અને સ્થાપત્ય વિરાસતનું પ્રતિનિધિત્વ કરશે.

(10:09 PM IST)