<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

પીએમ મોદીનું રાજ્યોને કડક અલ્ટીમેટમ: ₹૩૦,૦૦૦ કરોડના મેગા પ્રોજેક્ટ્સમાં વિલંબ કરનારા અધિકારીઓ સામે લાલ આંખ

૫૧મી 'પ્રગતિ' બેઠકમાં પ્રધાનમંત્રીએ ૯ રાજ્યોની અટકેલી ફાઇલો પર લીધા આકરા પગલાં : સરકારી કામોમાં ઢીલાશને નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન ગણાવી સમયમર્યાદામાં કામ પૂરું કરવા આપ્યો આદેશ

નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલી ૫૧મી 'પ્રગતિ' (PRAGATI) બેઠક દરમિયાન દેશના વિકાસ કાર્યોમાં અવરોધ ઊભો કરનારા તત્વો અને સુસ્ત વહીવટી તંત્ર સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પીએમ મોદીએ ૯ રાજ્યોમાં ફેલાયેલા ₹૩૦,૦૦૦ કરોડથી વધુના ખર્ચ ધરાવતા ૭ મોટા પ્રોજેક્ટ્સની ઝીણવટભરી સમીક્ષા કરી હતી, જેમાં રેલવે, પાવર સેક્ટર અને રોડ કનેક્ટિવિટી જેવા મહત્વના ક્ષેત્રો સામેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે સરકારી યોજનાઓમાં થતો વિલંબ માત્ર પ્રોજેક્ટનો ખર્ચ જ નથી વધારતો, પરંતુ સામાન્ય જનતાને મળનારી સુવિધાઓ છીનવીને તેમના અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે, જે હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ દેશમાં ગ્રીન એનર્જી અને સંસાધનોના યોગ્ય ઉપયોગ માટે બે ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા. પાવર સેક્ટરની સમીક્ષા કરતી વખતે તેમણે શહેરી અને રહેણાંક વિસ્તારોમાં સોલાર રૂફટોપ પેનલ્સને મિશન મોડ પર પ્રોત્સાહન આપવા જણાવ્યું, જેથી નાગરિકોના વીજળી બિલ ઘટી શકે. આ સાથે જ તેમણે દેશના નહેર (કેનાલ) નેટવર્કની ઉપર અને તેની આસપાસ સોલાર પેનલ્સ લગાવવાનો આદેશ આપ્યો છે, જેનાથી જમીનની બચત થવાની સાથે પાણીનું બાષ્પીભવન અટકશે અને મોટા પાયે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન થઈ શકશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ વચ્ચેના કેન-બેટવા લિંક પ્રોજેક્ટની સફળતાને તેમણે અન્ય રાજ્યોના પાણીના વિવાદો ઉકેલવા માટે એક રોલ મોડેલ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ 'સ્વચ્છ ભારત મિશન-શહેરી ૨.૦' અંતર્ગત રાજ્યોને કચરાના નિકાલ માટે કડક અલ્ટીમેટમ આપતા કહ્યું કે, આ મિશન માત્ર કાગળ પર કે માળખાકીય સુવિધાઓ પૂરતું સીમિત ન રહેતા જમીન પર દેખાવું જોઈએ. તેમણે ઘન કચરા વ્યવસ્થાપન, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને ગોબર્ધન યોજના પર તાત્કાલિક કામ ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે. આ બેઠકમાં મહારાષ્ટ્રના વાધવન બંદરને ભવિષ્યના ગ્લોબલ લોજિસ્ટિક્સ ગેટવે તરીકે વિકસાવવાની વ્યૂહરચના પર પણ મહોર મારવામાં આવી હતી. કેબિનેટ સચિવના જણાવ્યા અનુસાર, પીએમ મોદીના નિર્દેશો બાદ હવે રાજ્ય સ્તરે તમામ સામાજિક યોજનાઓની માસિક સમીક્ષા વહીવટી તંત્ર દ્વારા કડક રીતે શરૂ કરી દેવામાં આવી છે.

(11:05 PM IST)