<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ચૂંટણી પહેલા PoJK માં લોહિયાળ ખેલ: હિંસા અને મોતો પર સંયુક્ત રાષ્ટ્ર (UN) ની વૈશ્વિક ચિંતા; પાકિસ્તાન સરકારને કડક શબ્દોમાં ફટકારી નોટિસ, ઇન્ટરનેટ પ્રતિબંધો હટાવવા માંગ!

૨૭ જુલાઈએ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશમાં ભારે તણાવ; સંગઠનો પર પ્રતિબંધ અને નેતાઓની ધરપકડ સામે UN માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્ક આકરા પાણીએ

ન્યૂયોર્ક : પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આગામી ૨૭ જુલાઈના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ગઈ છે. પ્રદેશમાં સતત વધી રહેલી અશાંતિ, હિંસા અને પ્રદર્શનકારીઓના મોતો પર હવે વૈશ્વિક સંગઠન સંયુક્ત રાષ્ટ્ર (UN) એ સખત વલણ અપનાવ્યું છે. યુએનના માનવ અધિકારોના ઉચ્ચ કમિશનર (UN High Commissioner for Human Rights) વોલ્કર તુર્કે આ મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને પાકિસ્તાની સત્તાવાળાઓ અને સુરક્ષા દળોને તાત્કાલિક સંયમ રાખવા, નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા અને હિંસા રોકવા માટે કડક આદેશ આપ્યા છે.

મોતોનો સિલસિલો: નિષ્પક્ષ અને કડક તપાસની ઉઠી માંગ

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, PoJK માં ચૂંટણી પહેલા ફાટી નીકળેલી રાજકીય અશાંતિ અને પ્રદર્શનો દરમિયાન જૂન મહિનાથી અત્યાર સુધીમાં પ્રદર્શનકારીઓ અને કાયદા અમલીકરણ કર્મચારીઓ (પોલીસ) સહિત ડઝનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હાઈ કમિશનર વોલ્કર તુર્કે આ તમામ મૃત્યુ પર આક્રોશ વ્યક્ત કરતા 'તાત્કાલિક અને નિષ્પક્ષ' તપાસ કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જીવ ગુમાવનારા ભલે સામાન્ય વિરોધ પ્રદર્શનકારીઓ હોય કે સુરક્ષા દળોના જવાનો, જે પણ આ હિંસા માટે જવાબદાર છે તેમને કાયદા સમક્ષ લાવીને કડક સજા થવી જ જોઈએ.

જન આંદોલન ચગદવાના પાકિસ્તાની વલણ સામે યુએન લાલઘૂમ

પાકિસ્તાન સરકાર દ્વારા ત્યાંની સ્થાનિક જનતાના અવાજને દબાવવા માટે લેવાયેલા તાનાશાહી નિર્ણયોની પણ વૈશ્વિક મંચ પર આકરી ટીકા થઈ છે. સરકારે આતંકવાદ વિરોધી કાયદાનો દુરુપયોગ કરીને સ્થાનિક વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, વિદ્યાર્થીઓ, વકીલો અને નાગરિક સમાજના કાર્યકરોથી બનેલી સંસ્થા 'જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી' (JKJAAC) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકવાના બહાના હેઠળ આ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને તેના અગ્રણી નેતાઓની જેલમાં બદલી દેવાયા છે. UN એ ચેતવણી આપી છે કે સામાન્ય નાગરિક આંદોલનને ગુનાહિત સ્વરૂપ આપવું એ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ સભા કરવાના વૈશ્વિક અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે.

જેલના સળિયા પાછળ ધકેલાયેલા નેતાઓના અધિકારો અને ડિજિટલ સેન્સરશીપ

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ધોરણોનો હવાલો આપતા હાઈ કમિશનરે પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે કે અટકાયત કરાયેલા તમામ નેતાઓને તાત્કાલિક કાનૂની સલાહ (વકીલ) અને તેમના પરિવારો સાથે મળવાની છૂટ મળવી જોઈએ. કાનૂની પ્રક્રિયા ન્યાયી હોવી જરૂરી છે.

આ ઉપરાંત, વિરોધને દબાવવા માટે પાકિસ્તાન સરકારે પ્રદેશના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધી છે. યુએને આ ડિજિટલ સેન્સરશીપની આકરી નિંદા કરતા કહ્યું કે, મુશ્કેલીના સમયે માહિતી મેળવવી અને શેર કરવી એ નાગરિકોનો હક છે. સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાની સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે પ્રદેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત કરવા માટે તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવે. ૨૭ જુલાઈની ચૂંટણીઓ પહેલા વૈશ્વિક દબાણ વધતા હવે પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું છે.

(7:32 PM IST)