News of Sunday, 1st November 2026
આંધ્રપ્રદેશના અનંતપુરમાં શાળાની વિદ્યાર્થિની પર આરીથી ઘાતકી હુમલો કરનાર સનકી આરોપીનું પોલીસ એન્કાઉન્ટર : સ્વબચાવમાં પોલીસે ૬ રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી ગંભીર રીતે ઘાયલ
શનિવારે ધોરણ-૧૦ની સગીરા પર ક્લાસરૂમમાં ઘૂસીને કરાયેલા લોહિયાળ હુમલાનો આરોપી અને પીડિતાનો જ મામા હેમંત ઉર્ફે ડુમ્મુ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં પોલીસની જવાબી કાર્યવાહીમાં ઝડપાયો : બેંગલુરુમાં વિદ્યાર્થિનીની સારવાર જારી

અનંતપુર: આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં સ્કૂલની અંદર એક ૧૫ વર્ષીય સગીરા પર ઇલેક્ટ્રિક આરીથી ઘાતકી હુમલો કરનાર કુખ્યાત આરોપી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવાર રાત્રે પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં પોલીસ દ્વારા આત્મરક્ષણાર્થે ૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા આરોપી ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ ગંભીર બનેલી છે.
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા લઈ જતી વેળાએ પોલીસ પર પથ્થરમારો:
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારની સાંજે જિલ્લાના આત્મકુરમાં આવેલા જંગલ વિસ્તારમાંથી પોલીસની સ્પેશિયલ ટીમે આરોપી હેમંત ઉર્ફે ડુમ્મુની ધરપકડ કરી હતી. ત્યારબાદ, શનિવારે તેણે જે જગ્યાએ સ્કૂલમાં વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો તે રાપ્તાડુ સ્થિત અપરાધ સ્થળનું નિરીક્ષણ અને પંચનામું કરાવવા માટે પોલીસ તેને ત્યાં લઈ જઈ રહી હતી. તે દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો અને પોલીસકર્મીઓ પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓને ઇજાઓ પણ પહોંચી હતી. પરિસ્થિતિ વણસતા પોલીસને ફરજ અને સ્વબચાવ ખાતર કુલ ૬ રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં આરોપી હેમંત ઘાયલ થઈ ગયો હતો.
શાળાના ક્લાસરૂમમાં ઘૂસીને કર્યો હતો જીવલેણ હુમલો:
ગત શનિવારે સવારે અંદાજે ૧૦:૩૦ કલાકના સુમારે રાપ્તાડુ સ્થિત જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં આ હચમચાવનારી ઘટના બની હતી. આરોપી હેમંત ઉર્ફે ડુમ્મુ અચાનક ઇલેક્ટ્રિક આરી લઈને સીધો ધોરણ-૧૦ના ક્લાસરૂમમાં ઘૂસી ગયો હતો અને ત્યાં હાજર ૧૫ વર્ષીય સગીર વિદ્યાર્થિનીના ગળા તથા શરીરના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં વચ્ચે બચાવ કરવા પડેલી અન્ય એક વિદ્યાર્થિની પણ ઈજાગ્રસ્ત થઈ હતી.
આરોપી પીડિતાનો સગો મામા નીકળ્યો, લવ એંગલ આવ્યો સામે:
પોલીસ તપાસમાં આ સમગ્ર પ્રકરણને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. હુમલો કરનાર આરોપી હેમંત (જે મૂળ શ્રી સત્ય સાંઈ જિલ્લાના નાગલુરુનો રહેવાસી છે અને અનંતપુર ખાતે પોતાની મોટી બહેનના ઘરે રહેતો હતો) તે ભોગ બનનાર સગીર વિદ્યાર્થિનીનો સગો મામા જ થાય છે. પરિવારજનો અને પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લાંબા સમયથી એકતરફી પ્રેમ સંબંધનો દાવો કરીને સગીરાને હેરાન-પરેશાન કરતો હતો અને આ જ અદાવતમાં તેણે આ હુમલો અંજામ આપ્યો હતો.
બેંગલુરુની હોસ્પિટલના આઈસીયુમાં સગીરાની સારવાર ચાલુ
આ ગંભીર હુમલામાં ગળા અને શરીર પર ઊંડા ઘા વાગવાથી ગંભીર બનેલી સગીરાને શરૂઆતમાં અનંતપુર સરકારી જનરલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરોએ ૮ કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જમણા હાથના સ્નાયુઓ અને ચહેરા પર ગંભીર ઈજાઓ હોવાથી તેને વધુ અને ઉત્તમ સારવાર અર્થે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આંધ્રપ્રદેશના શિક્ષણ અને આઈટી મંત્રી નારા લોકેશ ના જણાવ્યા મુજબ, બેંગલુરુમાં સગીરાની સતત ૧૨ કલાક સુધી સર્જરી કરવામાં આવી હતી અને હાલ તેને આઈસીયુ (ICU) માં રાખીને તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. અનંતપુર પોલીસે સમગ્ર કેસમાં કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
