<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

તમિલનાડુમાં 'થલપતિ' વિજયની એન્ટ્રીથી રાજકીય ભૂકંપ: શું ડાબેરીઓ અને કોંગ્રેસના સાથી પક્ષો વિજયને બનાવશે મુખ્યમંત્રી? રાજ્યપાલના વલણ સામે ભારે વિરોધ

વિજયની TVK ને ૧૦૮ બેઠકો મળ્યા છતાં સરકાર રચવામાં પેચ: કમલ હાસન અને DMK ના સાથી પક્ષો મેદાનમાં આવ્યા, લોકશાહીના અપમાનનો મુદ્દો ગરમાયો

ચેન્નાઈ, તા.૦૭: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ૧૦૮ બેઠકો જીતીને ઈતિહાસ રચનાર અભિનેતા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) કેવી રીતે સરકાર બનાવશે અને વિજય મુખ્યમંત્રી પદના શપથ ક્યારે લેશે, તેને લઈને અત્યારે ભારે સસ્પેન્સ અને રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યપાલ આર.વી. અર્લેકર દ્વારા સરકાર બનાવવા માટે જરૂરી આંકડાનો અભાવ હોવાનું જણાવી વિજયને મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રણ આપવાનો કથિત ઈનકાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે.
આ ઘટનાક્રમ વચ્ચે TVK ના નેતાઓએ IUML (ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ) ના નેતાઓ સાથે મુલાકાત કરી સમર્થન માંગ્યું છે. IUML ના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો એમ.કે. સ્ટાલિનને કોઈ વાંધો ન હોય તો તેઓ વિજયને ટેકો આપવા તૈયાર છે. નોંધનીય છે કે તમિલનાડુના રાજકારણમાં એકતાના ઉદાહરણ રૂપે DMK, MNM, VCK અને CPI સહિતના અનેક પક્ષો વિજયના સમર્થનમાં આવ્યા છે અને રાજ્યપાલના આ પગલાને જનાદેશનું અપમાન ગણાવ્યું છે.
કમલ હાસનનું વિજયને મજબૂત સમર્થન
અભિનેતા અને રાજનેતા કમલ હાસન વિજયના સમર્થનમાં સૌથી આગળ જોવા મળ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "મારા ભાઈ એમ.કે. સ્ટાલિને જાહેરાત કરી છે કે તેઓ જનતાના નિર્ણયનું સન્માન કરે છે અને જવાબદાર વિપક્ષ તરીકે કામ કરશે. હું તેમની રાજકીય પરિપક્વતાને બિરદાવું છું. હવે બંધારણીય પદો પર બેઠેલા લોકોએ પણ તેમની ફરજ નિભાવવી જોઈએ." તેમણે ઉમેર્યું કે વિજયને સરકાર બનાવવા માટે આમંત્રિત ન કરવા એ લોકશાહીની ગરિમાની વિરુદ્ધ છે.
રિસોર્ટ પોલિટિક્સ અને કાયદો-વ્યવસ્થા
બીજી તરફ, રાજ્યમાં ચાલી રહેલી આ રાજકીય અસ્થિરતા વચ્ચે એડપ્પાડી કે. પલાનીસ્વામી ચેન્નાઈથી પુડુચેરી રવાના થયા છે, જ્યાં અંદાજે ૩૦ થી વધુ ધારાસભ્યો એક ખાનગી રિસોર્ટમાં રોકાયેલા છે. તમિલનાડુના મુખ્ય સચિવ અને ડીજીપીએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારી આપી છે. અત્યારે તમિલનાડુમાં 'વેટિંગ ગેમ' ચાલી રહી છે કે વિજય કેવી રીતે બહુમતી સાબિત કરીને સત્તાના સિંહાસન પર બિરાજે છે.

(5:46 PM IST)