<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને રાહુલ ગાંધીના ધરણાથી દિલ્હીમાં રાજકીય ગરમાવો : નીટ પરીક્ષા ધાંધલી અને વિદ્યાર્થીઓ પર પોલીસ એક્શન મુદ્દે વિપક્ષ આક્રમક : કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે વચનથી ફરી જવાનો વિપક્ષ પર આરોપ લગાવ્યો

કેન્દ્ર સરકારે સંસદમાં નીટ મુદ્દે ચર્ચાની માંગ સ્વીકારી હોવા છતાં રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામાંની નવી શરત મૂકી : મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના નેતાઓ ધરણામાં જોડાયા : સોનમ વાંગચુકની ભૂખ હડતાળ યથાવત

નવી દિલ્હી:દિલ્હીમાં સીજેપી કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન તથા નીટ પરીક્ષામાં ગડબડ મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને અચાનક ધરણા શરૂ કરી દેતાં સસંદથી લઈને રોડ સુધી ભારે અફરાતફરી મચી ગઈ છે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ સહિતના ટોચના નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. લોકસભા અધ્યક્ષ દ્વારા સંસદમાં વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા કરવાની મંજૂરી ન અપાતાં વિપક્ષે પીએમ નિવાસસ્થાને જઈને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં ૭, લોકકલ્યાણ માર્ગ ખાતે ધરણા શરૂ કરાયા બાદ નેતાઓને ૧૦, રાજાજી માર્ગ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી પર પોતાના વચનથી ફરી જવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે વડાપ્રધાન નિવાસસ્થાન ધરણા માટેનું સ્થળ ન હોવાથી સામાન્ય જનતાને ભારે હાલાકી પડી રહી હતી. રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે જો સરકાર સંસદમાં નીટ અને સંબંધિત આંદોલન પર ચર્ચા કરવા તૈયાર થાય તો તેઓ તરત જ ધરણા પૂરા કરશે. ટોચના નેતૃત્વની મંજૂરી મેળવીને સરકારે સંસદમાં બુધવારે જ ચર્ચા કરવાની માંગ સ્વીકારી લીધી હતી. જોકે, આ માહિતી આપતાં જ રાહુલ ગાંધી પોતાની વાતથી ફરી ગયા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની નવી માંગ મૂકી દીધી હતી. જીતેન્દ્ર સિંહે આ વર્તનને લોકશાહીના મૂલ્યોથી વિપરીત ગણાવ્યું હતું.

ધરણા પર બેસતા પહેલાં રાહુલ ગાંધીએ દેશના "દેશભક્ત નાગરિકો"ને આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પ્રણાલી સંપૂર્ણપણે ભાંગી પડી છે અને આરએસએસ દ્વારા તેના પર કબ્જો જમાવી લેવાયો છે. વિદ્યાર્થીઓ પર પોલીસ બળપ્રયોગને "અન-ઇન્ડિયન" ગણાવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ કરી હતી. ધરણા સ્થળે જતાં પહેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચીને સોમવારના ઘર્ષણમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત પણ લીધી હતી.

દરમિયાન, સીજેપીના પ્રતિનિધિઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરીને પોતાની લેખિત માંગણીઓ રજૂ કરી હતી. જંતર મંતર ખાતે સીજેપીના સ્થાપક અભિજીત દીપકે શિક્ષણ મંત્રીના રાજીનામાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ, પર્યાવરણવિદ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં સતત ભૂખ હડતાળ પર છે, જ્યાં તેમનું સિરમ પોટેશિયમ લેવલ ૩.૨ mEq/L નોંધાયું છે. તેઓ ઓઆરએસ અને ઓરલ સપ્લીમેન્ટ્સ લઈ રહ્યા છે પરંતુ ગ્લુકોઝ અને આઈવી ફ્લુઈડ્સ લેવાનો ઈનકાર કરી રહ્યા છે.

(7:01 PM IST)