<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

દિલ્હીમાં રાજકીય ગરમાવો: ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર સહિત ૧૧૦ લોકોને ચૂંટણી પંચની 'SIR' નોટિસ!

મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: અગાઉની ડેટા સીટ સાથે મેપ ન થતાં કેજરીવાલ પરિવારને આપવું પડશે સ્પષ્ટીકરણ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની વિશેષ સુધારણા પ્રક્રિયા 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) દરમિયાન એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ તેમના પરિવારના ચાર સભ્યોને દિલ્હી ચૂંટણી પંચ દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના એક જ વિભાગમાંથી કેજરીવાલ પરિવાર સહિત કુલ ૧૧૦ લોકોને આ પ્રકારની નોટિસ મળતાં દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

 

મળતી વિગતો મુજબ, ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશમાં અગાઉની SIR પ્રક્રિયા સાથે ડેટા મેચ ન થતાં, આ તમામ લોકોને "અનમેપ્ડ વિથ લાસ્ટ SIR" (Unmapped with last SIR) કેટેગરી હેઠળ મૂકીને નોટિસ આપવામાં આવી છે. નોટિસ મેળવનારાઓમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત તેમના પત્ની સુનીતા કેજરીવાલ, પિતા ગોવિંદ રામ કેજરીવાલ, માતા ગીતા દેવી અને તેમના ૨૫ વર્ષીય પુત્ર પુલકિત કેજરીવાલનો સમાવેશ થાય છે.

 

વિધાનસભા મતવિસ્તાર ૪૦ હેઠળ ચૂંટણી પંચ ચકાસણી કરશે

 

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી હેઠળ આવતા વિધાનસભા મતવિસ્તાર ૪૦ના એક ચોક્કસ સેક્ટરમાંથી આ ૧૧૦ લોકોના નામ સામે આવ્યા છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણ પારદર્શક અને ભૂલરહિત બનાવવાનો છે. હવે નોટિસ મળ્યા બાદ કેજરીવાલ પરિવારે અને અન્ય યાદીબદ્ધ નાગરિકોએ જરૂરી કાગળો રજૂ કરી ચૂંટણી પંચ સમક્ષ પોતાની મતદાર તરીકેની પાત્રતા અને સરનામાનું સત્યાપન (વેરિફિકેશન) કરાવવું પડશે.

 

(7:52 PM IST)