News of Monday, 16th November 2026
સોનિયા ગાંધીના પુસ્તક વિમોચનમાં રાજકીય દિગ્ગજોનો જમાવડો: નવી પેઢી પોતાની માગણીઓ સાથે આગળ આવી રહી છે તે ઉત્સાહજનક છે, યુવાનો આપણા કરતાં વધુ સમજે છે : સોનિયા ગાંધીના આત્મકથાના વિમોચનમાં દેશના અનેક મોટા નેતાઓ ઉપસ્થિત
રાહુલ-પ્રિયંકાની હાજરીમાં સોનિયાનું પુસ્તક રજૂ : અખિલેશ, ફારૂક, ઓમર, હેમંત, વિજય, અભિષેક સહિત અનેક નેતાઓ હાજર : એક સપ્તાહમાં બે લાખ નકલો વેચાઈ

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના આત્મકથાત્મક પુસ્તક ‘બિલોંગિંગ : અ જર્ની ઓફ લવ’નું આજે દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં ઔપચારિક વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશના વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશક હાર્પરકોલિન્સના જણાવ્યા મુજબ પુસ્તકની એક સપ્તાહમાં લગભગ બે લાખ નકલો વેચાઈ છે.
સમારંભમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી, ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, હેમંત સોરેન, સુપ્રિયા સુળે, તમિલનાડુના મુખ્યમંત્રી વિજય અને ભાજપના કેપ્ટન અમરિંદર સિંહ હાજર રહ્યા હતા. મનમોહનસિંહનાં પત્ની ગુરશરણ કૌર પણ ઉપસ્થિત હતાં.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે નવી પેઢીના યુવાનો રાજકારણમાં સક્રિય બને અને પોતાની માગણીઓ રજૂ કરે તે પ્રોત્સાહક બાબત છે. તેમણે વધુ યુવાનોને રાજકારણમાં આવવા અપીલ કરી હતી. તેમના મતે નવી પેઢી અનેક બાબતોમાં અગાઉની પેઢી કરતાં વધુ સારી સમજ ધરાવે છે.
પુસ્તક લખવાનું કારણ સમજાવતાં સોનિયાએ કહ્યું કે તેમના જીવન વિશે ઘણી અવાસ્તવિક વાતો ફેલાઈ છે. પુસ્તકમાં ઇટાલીમાં બાળપણ, રાજીવ ગાંધી સાથે પ્રેમ અને લગ્ન, ઇન્દિરા ગાંધી સાથેનો સંબંધ તથા પરિવારની કરુણ ઘટનાઓનો સમાવેશ છે. રાહુલ ગાંધીએ માતાના સંઘર્ષ અને હિંમતને યાદ કરતાં ભાવુક શબ્દોમાં જણાવ્યું કે રાજીવ ગાંધી આજે હોત તો તેમના ઉપર ગર્વ અનુભવતા.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
