News of Tuesday, 21st July 2026
બાંકીપુર પેટાચૂંટણીમાં રાજકીય સંગ્રામ: ભાજપે પ્રશાંત કિશોર પર લગાવ્યા કરોડોના ખર્ચના ગંભીર આરોપો: ED તપાસની માંગ
જન સૂરજ પક્ષના સ્થાપક સામે ચૂંટણી પંચમાં ભાજપનું શક્તિપ્રદર્શન : લંડનથી એકાઉન્ટ્સ અને દિલ્હીથી કામગીરી : સોશિયલ મીડિયા પર મર્યાદાથી વધુ ખર્ચ કરવાનો મોટો આક્ષેપ

પટણા: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સમક્ષ પહોંચીને જન સૂરજ પાર્ટીના સ્થાપક અને ઉમેદવાર પ્રશાંત કિશોર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતાઓ શાહનવાઝ હુસૈન, મિથિલેશ તિવારી અને જીવેશ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા કેમ્પેઇન અને બોટ નેટવર્ક્સ પર કરોડો રૂપિયા પાણીની જેમ વહાવીને ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા ખર્ચના તમામ નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. આ કથિત નાણાકીય અનિયમિતતાઓના સ્ત્રોત શોધવા માટે ભાજપે ઇડી દ્વારા તપાસ કરવાની આકરી માંગ કરી છે.
ચૂંટણી પંચ સાથેની બેઠક બાદ ભાજપના નેતાઓએ દાવો કર્યો કે નિયમ મુજબ ઉમેદવાર ચૂંટણીમાં વધુમાં વધુ 40 લાખ રૂપિયા ખર્ચી શકે છે, પરંતુ પ્રશાંત કિશોર વિવિધ કંપનીઓ અને ઇન્ફ્લુએન્સર્સ દ્વારા કરોડો રૂપિયા ચૂકવી રહ્યા છે. ભાજપનો આરોપ છે કે દરેક પ્રમોશનલ વીડિયો માટે 20,000 થી 30,000 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે. આ પ્રચાર પાછળ નવી દિલ્હીના વસંત વિહાર ખાતે નોંધાયેલી સિમ્પલ સેન્સ એનાલિટિક્સ અને ન્યૂઝ લાઈટહાઉસ નામની એજન્સીઓ કાર્યરત છે, જેનું કનેક્શન પ્રશાંત કિશોરની પત્નીની કંપની 'વેદાસ વેન્ચર્સ' સાથે હોવાનો દાવો કરાયો છે.
ભાજપના નેતા મિથિલેશ તિવારીએ વધુ એક સનસનાટીભર્યો આરોપ લગાવતા જણાવ્યું કે જન સૂરજનો પ્રચાર કરતા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દેશ બહારથી, ખાસ કરીને લંડન અને દિલ્હીના વસંત કુંજ ખાતેથી ઓપરેટ થઈ રહ્યા છે. વિદેશી જમીન પરથી ડિજિટલ પ્રચાર અને બોટ નેટવર્કના ઉપયોગ દ્વારા સ્થાનિક મતદારોને પ્રભાવિત કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ભાજપ પ્રતિનિધિમંડળે માંગ કરી છે કે આ સમગ્ર કાળા નાણાંના વ્યવહાર અને વિદેશી કનેક્શનની નિષ્પક્ષ તપાસ થાય જેથી ચૂંટણીની પારદર્શિતા જળવાઈ રહે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
