<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પડોશી દેશો સહિત વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો : યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોનો દાવો - પરમાણુ કરાર પર ચર્ચા કરવા ઈરાન તૈયાર, બીજી તરફ તેહરાને શાંતિ વાર્તા બંધ કરી હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણ બંધ કરવાની આપી ચેતવણી

અમેરિકી સેનેટની ફોરેન રિલેશન્સ કમિટી સમક્ષ માર્કો રુબિયોએ ઈરાનની નૌકાસેના સમુદ્રના તળિયે હોવાનો અને મિસાઈલ ક્ષમતા ધ્વસ્ત થયાનો કર્યો દાવો : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત ચાલુ હોવાની પુષ્ટિ કરી, જ્યારે ઈરાને ઈઝરાયેલના લેબનોન ઓપરેશનને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવી મધ્યસ્થીઓ દ્વારા સંદેશા વ્યવહાર અટકાવ્યો

વોશિંગ્ટન:ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઈરાન સામે શરૂ કરાયેલા યુદ્ધ બાદ પ્રથમ વખત અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો મંગળવારે કેપિટલ હિલ ખાતે સેનેટની ફોરેન રિલેશન્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. કમિટી સમક્ષ સાક્ષી આપતા માર્કો રુબિયોએ એક મોટો દાવો કર્યો છે કે, ઈરાન હવે પોતાના પરમાણુ કાર્યક્રમના એવા પાસાઓ પર પણ વાટાઘાટો કરવા માટે સહમત થયું છે જેના પર એક મહિના પહેલા સુધી તે ચર્ચા કરવા પણ તૈયાર ન હતું. જો કે, અમેરિકાના આ દાવાની બિલકુલ વિરુદ્ધ ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી તસ્નીમે અહેવાલ આપ્યો છે કે, તેહરાને વૉશિંગ્ટન સાથે મધ્યસ્થીઓ દ્વારા થતો તમામ પ્રકારનો સંદેશા વ્યવહાર બંધ કરી દીધો છે અને શાંતિ વાર્તા અટકાવીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને સંપૂર્ણપણે બંધ કરવા તરફ પગલાં ભર્યા છે. ઈરાને લેબનોનમાં ઈઝરાયેલની સૈન્ય કામગીરીને એપ્રિલમાં થયેલા યુદ્ધવિરામ કરારનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો વાતચીત ચાલુ હોવાનો દાવો અને અમેરિકાનો ટુ-ફેઝ પ્લાન

ઈરાન દ્વારા સંપર્ક તોડી નાખવાના અહેવાલો વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે વાતચીત સતત ચાલી રહી છે અને અધિકારીઓ વચ્ચે વાતચીત બંધ થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ સેનેટરોને જણાવ્યું હતું કે ઈરાન સાથે ટૂંક સમયમાં પ્રગતિ થઈ શકે છે. તેમણે ઈરાન સમક્ષ બે તબક્કાનું માળખું (Two-phase framework) રજૂ કર્યું છે. પ્રથમ તબક્કાની પૂર્વશરત મુજબ, ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવી પડશે, ત્યાં પોતે બિછાવેલી દરિયાઈ સુરંગો (Mines) હટાવવામાં મદદ કરવી પડશે અને કોઈપણ જહાજ પર હુમલો ન કરવાની લેખિત ખાતરી આપવી પડશે. આ શરત પૂર્ણ થયા બાદ જ બીજા તબક્કાના દ્વાર ખુલશે, જેમાં ઈરાને પોતાના અત્યંત સંવર્ધિત યુરેનિયમ (Highly Enriched Uranium) ના જથ્થાનો નિકાલ કરવો પડશે અને પરમાણુ પ્રવૃત્તિઓ પર કડક લાંબાગાળાના પ્રતિબંધો અથવા તેને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંમત થવું પડશે.

ઈરાનની સૈન્ય ક્ષમતા ધ્વસ્ત થઈ હોવાનો દાવો, ન્યૂયોર્ક ટાઈમ્સનો જુદો અહેવાલ

માર્કો રુબિયોએ સમિતિ સમક્ષ દાવો કર્યો હતો કે યુદ્ધના કારણે ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ નબળો પડ્યો છે, તેની લોન્ચર ક્ષમતા ઘટી છે અને ડ્રોન બનાવવાની તાકાત પણ ક્ષીણ થઈ ગઈ છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, "અત્યારે કોઈ ઈરાની નૌકાસેના અસ્તિત્વમાં નથી, તે સમુદ્રના તળિયે ડૂબી ગઈ છે અને થોડા વર્ષોમાં ત્યાં માછલીઓ પકડવા માટેના સ્પોટ બની જશે." જો કે, તેમણે સ્વીકાર્યું હતું કે ઈરાન પાસે હજુ પણ મોટા પ્રમાણમાં ડ્રોન છે કારણ કે તે બનાવવા ખૂબ જ સરળ છે. બીજી તરફ, અમેરિકી મિલિટ્રીના આ દાવાઓ સામે વિરોધાભાસ પણ જોવા મળી રહ્યો છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના મે મહિનાના અહેવાલ મુજબ, ઈરાન પાસે હજુ પણ યુદ્ધ પૂર્વેના મિસાઈલોના જથ્થાના આશરે ૭૦ ટકા જથ્થો અકબંધ છે, જો કે વિશ્લેષકો માને છે કે ઈરાનનો ૮૫ ટકા જેટલો બેલિસ્ટિક મિસાઈલ, ડ્રોન અને નેવલ ડિફેન્સનો ઔદ્યોગિક બેઝ નાશ પામ્યો હોવાથી નવા હથિયારો બનાવવાની તેની ક્ષમતાને મોટો ફટકો પડ્યો છે.

નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ જીવિત હોવાની પુષ્ટિ

૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા હતા. ત્યાર બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈએ સત્તા સંભાળી હતી પરંતુ તેઓ ક્યારેય જાહેરમાં દેખાયા ન હોવાથી તેમના જીવિત હોવા અંગે આશંકાઓ હતી. માર્કો રુબિયોએ સેનેટ સમક્ષ સ્પષ્ટ કર્યું કે મોજતબા ખામેનેઈ જીવિત છે અને તેઓ ઈરાન શાસનની ગતિવિધિઓમાં સક્રિયપણે સામેલ હોવાના સંકેતો મળ્યા છે.

પ્રતિબંધો હટાવવાનો ઈનકાર અને આર્થિક નાકાબંધી

ડેમોક્રેટિક સેનેટર ક્રિસ મર્ફી સાથેની ચર્ચા દરમિયાન માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર હોર્મુઝના દરિયાઈ માર્ગને ખોલવા બદલ ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવશે નહીં. પ્રતિબંધોમાં કોઈ પણ રાહ માત્ર પરમાણુ કાર્યક્રમની શરતોને આધીન જ રહેશે. એપ્રિલના સીઝફાયરમાં ઈરાને આ માર્ગ ખોલવાનું વચન આપ્યું હતું પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના મતે ઈરાન તેમાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે ૧૩ એપ્રિલથી અમેરિકાએ ઈરાનના બંદરો તરફ જતા તમામ જહાજો પર વળતી નાકાબંધી (Counter-blockade) લગાવી દીધી છે. રુબિયોએ ઉમેર્યું કે આ નાકાબંધીના કારણે ઈરાનને રોજના કરોડો ડોલરની ઓઈલ રેવન્યુનું નુકસાન થઈ રહ્યું છે અને જો તેઓ બધા માટે દરિયાઈ માર્ગ બંધ કરશે, તો અમેરિકા તેમના માટે આખો માર્ગ બંધ કરી દેશે.

(11:03 PM IST)