News of Wednesday, 8th July 2026
ઓડિશામાં પાઠ્યપુસ્તકોના છબરડા પર સળગ્યું રાજકારણ: BJD આખા રાજ્યમાં શરૂ કરશે 'શિક્ષણ બચાવો ઝુંબેશ', ભૂલોથી ભરેલા પુસ્તકો પાછા ખેંચવા ઉગ્ર માંગ
'AI ના અવૈજ્ઞાનિક ઉપયોગે બાળકોનું ભવિષ્ય બગાડ્યું'; ધોરણ ૧ થી ૮ ના પુસ્તકોમાં ગંભીર ખામીઓ બદલ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિપક્ષો આક્રમક મૂડમાં

ભુવનેશ્વર : ઓડિશામાં પ્રાથમિક શાળાઓના પાઠ્યપુસ્તકોમાં સામે આવેલા મોટા છબરડા અને ગંભીર ભૂલોના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં ભાજપ સરકાર આ ભૂલોથી ભરેલા પુસ્તકો પાછા ખેંચવામાં નિષ્ફળ રહી છે. જેના વિરોધમાં મુખ્ય વિરોધ પક્ષ બીજુ જનતા દળ (BJD) એ આગામી ૯ થી ૧૫ જુલાઈ સુધી આખા રાજ્યમાં વ્યાપક સ્તરે 'શિક્ષણ બચાવો ઝુંબેશ' શરૂ કરવાની જાહેરાત કરી છે. બીજેડીએ માસૂમ બાળકોના ભવિષ્ય સાથે રમત કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને શાળા અને માસ શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડના રાજીનામાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.
ભુવનેશ્વરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા બીજેડીના વરિષ્ઠ નેતાઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મોહન માઝી, શિક્ષણ મંત્રી અને વિભાગના સચિવ વચ્ચે પરસ્પર કોઈ સંકલન જ નથી, જેના કારણે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણને લઈને ભારે ચિંતિત છે. બીજેડીએ સરકાર સમક્ષ માંગણી મૂકી છે કે આ ખામીયુક્ત પાઠ્યપુસ્તકો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને એક મહિનાની અંદર વિદ્યાર્થીઓને સુધારેલી તેમજ સંપૂર્ણપણે ભૂલ-મુક્ત નવી આવૃત્તિઓ પૂરી પાડવામાં આવે. જો સરકાર આ બાબતે નમતું નહીં જોખે તો રાજ્યભરના યુવાનો અને વિદ્યાર્થીઓ ભાજપ સરકાર સામે મોટું આંદોલન છેડશે.
બીજી તરફ, આ વિવાદમાં સીપીઆઈ(એમ) (CPI-M) પણ કૂદી પડ્યું છે અને તેમણે પણ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શનો કર્યા છે. સીપીઆઈ(એમ) ના રાજ્ય સચિવ સુરેશ ચંદ્ર પાણિગ્રહીએ ચોંકાવનારો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપની ડબલ-એન્જિન સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ને ઉતાવળમાં લાગુ કરવાના ચક્કરમાં કોઈપણ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ પ્રાથમિક સ્તરના ૫૫ પાઠ્યપુસ્તકો તૈયાર કરી નાખ્યા. આ આખી પ્રક્રિયા દરમિયાન અનુભવી લેખકો, શિક્ષણવિદો, વિષય નિષ્ણાતો, સંપાદકો અને પ્રૂફરીડર્સની સલાહને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે.
ડાબેરી નેતાઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, પુસ્તકો તૈયાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો અત્યંત અવૈજ્ઞાનિક અને આડેધડ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ ગંભીર ભૂલોનું મુખ્ય કારણ બન્યું છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ માત્ર વહીવટી તંત્રની સામાન્ય નિષ્ફળતા નથી; પરંતુ ઓડિશાની શિક્ષણ પ્રણાલી, માસૂમ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ગૌરવશાળી ઓડિયા ભાષાના અસ્તિત્વ સામે કરવામાં આવેલો એક ગંભીર ગુનો છે. વિપક્ષોના આ આક્રમક વલણના કારણે આગામી દિવસોમાં ઓડિશા સરકાર પર પુસ્તકો પાછા ખેંચવાનું દબાણ સતત વધી રહ્યું છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
