<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

યુપીમાં રોજગાર મુદ્દે રાજકારણ ગરમાયું: “નોકરીઓની પાછળ દોડવા કરતા ઈ-રિક્ષા ચલાવો”, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકના નિવેદનથી ભારે વિવાદ!

‘ચાર કલાક વાહન ચલાવો અને બાળકો સાથે સમય વિતાવો’: ભાજપ નેતાની સ્વ-રોજગારની સલાહ સામે વિપક્ષ અકળાયો, અખિલેશ યાદવની પાર્ટીના નેતાએ કહ્યું- “બહુ શોખ હોય તો તમને જ ઈ-રિક્ષા ભેટ મોકલી આપું”.

લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે છ મહિનામાં એક લાખ નોકરીઓ પૂરી પાડવાના વાયદા અંતર્ગત તાજેતરમાં જ ૩,૦૦૦થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. આ ઘટનાના ગણતરીના દિવસોમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. લખનૌમાં 'ભારત ટેક્સી'ના એક કાર્યક્રમ દરમિયાન યુવાનોને સરકારી કે પરંપરાગત નોકરીઓની પાછળ દોડવાને બદલે ટેક્સી કે ઈ-રિક્ષા ચલાવવાની સલાહ આપતો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા જાગી છે.

 

વાયરલ વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક એવું કહેતા સંભળાય છે કે, "નોકરી મેળવવાની દોડધામમાં ન ફસાઓ. દિવસમાં ચાર કલાક વાહન ચલાવો, સારી કમાણી કરો અને બપોરનો સમય પરિવાર તથા બાળકો સાથે વિતાવો." તેમણે દલીલ કરી હતી કે ટેક્સી કે ઈ-રિક્ષા જેવા સ્વ-રોજગારથી યુવાનોને આર્થિક સ્વતંત્રતાની સાથે પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર પણ મળે છે. જોકે, એક તરફ સરકાર રોજગાર સર્જનના દાવા કરી રહી છે ત્યારે બીજી તરફ આવી સલાહ સામે ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે.

 

સમાજવાદી પાર્ટીના નેતા પુષ્પેન્દ્ર સરોજે આ ટિપ્પણી બદલ પાઠક પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, "આજના યુવાનો દેશ ચલાવશે. જો તમને રિક્ષા ચલાવવાનો એટલો જ શોખ હોય, તો હું તમને ભેટ તરીકે એક ઈ-રિક્ષા મોકલી આપું છું, માનનીય નાયબ મુખ્યમંત્રીજી." સોશિયલ મીડિયા પર પણ વપરાશકર્તાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની આકાંક્ષાઓનો વિકલ્પ માત્ર ઈ-રિક્ષા ચલાવવી જ હોઈ શકે? આ નિવેદને યુપીમાં યુવાનોના રોજગાર અને તકો અંગેની રાજકીય બહસને વધુ તીવ્ર બનાવી દીધી છે.

(8:02 PM IST)