News of Sunday, 29th November 2026
રશિયાના કામચટકામાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: યેલિઝોવો નજીક કેન્દ્ર, જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી
USGS અને NCSના અંદાજ મુજબ 188થી 205 કિમી ઊંડાઈએ નોંધાયો ભૂકંપ; પેસિફિક રિંગ ઓફ ફાયર અને 2025ના 8.8ના ભૂકંપની ચર્ચા

કામચટકા, તા. ૨૮: રશિયાના દૂર પૂર્વમાં આવેલા કામચટકા ક્ષેત્રમાં શનિવારે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જોકે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (USGS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર કામચટકા દ્વીપકલ્પ પર યેલિઝોવો શહેરથી લગભગ 62 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં અને સપાટીથી આશરે 188 કિલોમીટર (117 માઈલ) ની ઊંડાઈએ નોંધાયું હતું, જ્યારે ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) એ તેની ઊંડાઈ આશરે 205 કિલોમીટર અંદાજી છે અને યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રએ પણ 188 કિલોમીટર ઊંડાઈનો ઉલ્લેખ કર્યો છે.
મધ્યમ ઊંડાઈએ નોંધાયેલા આ ભૂકંપ અંગે નિષ્ણાતો માને છે કે સપાટીથી વધુ ઊંડાઈએ આવતા ભૂકંપ સપાટી પર ઓછા અનુભવાય છે, જ્યારે પેસિફિક રિંગ ઓફ ફાયર વિસ્તારમાં પેસિફિક ટેક્ટોનિક પ્લેટ ઓખોત્સ્ક પ્લેટ નીચે સબડક્ટ થતી હોવાથી પૃથ્વીના પોપડામાં સર્જાતો તણાવ મુક્ત થતાં ભૂકંપના આંચકા આવે છે.
અગાઉ 30 જુલાઈ, 2025ના રોજ કામચટકા દ્વીપકલ્પના પૂર્વ કિનારા નજીક 8.8ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે 1952 પછીનો આ ક્ષેત્રનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો અને જેનું કેન્દ્ર આશરે 35 કિલોમીટર ઊંડે હોવાથી સુનામી આવી હતી તથા જાપાન, હવાઈ અને ચિલી સહિતના વિસ્તારોમાં સુનામીની ચેતવણી અપાઈ હતી.
ભૂકંપ દરમિયાન સલામતી માટે ઘર કે ઓફિસની અંદર હોવ ત્યારે મજબૂત ટેબલ નીચે બેસી માથું અને ગરદન ઢાંકવા, ભારે વસ્તુઓ કે કાચથી દૂર રહેવા, લિફ્ટ ટાળવા તેમજ ખુલ્લામાં હોવ તો ઇમારતો, થાંભલા અને પુલોથી દૂર ખસી જવા તથા વાહન ચલાવતા હોવ તો સલામત જગ્યાએ ઊભા રહેવા જેવી સાવચેતીઓ સૂચવવામાં આવી છે.
હવે કામચટકા ક્ષેત્રમાં ભૂકંપની સંભવિત આફ્ટરશોક્સની ગતિવિધિઓ, સ્થાનિક તંત્રના મૂલ્યાંકન અને સત્તાવાર અપડેટ્સ પર સૌની નજર રહેશે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
