<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સરહદો પર મજબૂત એર ડિફેન્સ નેટવર્કની તૈયારી: S-400ના વિસ્તાર, S-500 અને પ્રોજેક્ટ કુશા પર ભારતનું ધ્યાન

ફેબ્રુઆરી 2027 સુધીમાં પાંચમી S-400 તૈનાતીની સંભાવના અને વધુ પાંચ સિસ્ટમની ખરીદીની ચર્ચા; સ્વદેશી પ્રોજેક્ટ કુશાને 2028-2030 વચ્ચે સેનામાં સમાવવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી : પાકિસ્તાન અને ચીન તરફથી સંભવિત હવાઈ તથા મિસાઇલ ખતરાઓનો સામનો કરવા ભારતે પોતાનું એર ડિફેન્સ નેટવર્ક વધુ સઘન બનાવવાની દિશામાં મહત્વના પગલાં ભરવાનું શરૂ કર્યું છે, જેમાં રશિયન S-400 સિસ્ટમની તૈનાતી વિસ્તારવા, S-500 ખરીદવાની સંભાવનાઓ ચકાસવા અને સ્વદેશી પ્રોજેક્ટ કુશા વિકસાવવા પર કામગીરી ચાલી રહી છે. આ બહુ-સ્તરીય યોજનાઓ સફળ થતાં ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ સરહદો પર હવાઈ સુરક્ષા વ્યવસ્થાને નોંધપાત્ર બળ મળી શકે છે.

 

અહેવાલો મુજબ ભારત પાસે હાલ ચાર S-400 સિસ્ટમ છે, જેમાંથી ત્રણ પશ્ચિમ સરહદે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સુરક્ષા માટે તથા ચોથી આસામમાં ચીન-LAC વિસ્તાર માટે તૈનાત છે, જ્યારે પાંચમી સિસ્ટમ જમ્મુ-કાશ્મીર અને LoC નજીક ફેબ્રુઆરી 2027 સુધીમાં તૈનાત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

 

સંરક્ષણ વ્યવસ્થાને વધુ વિસ્તૃત કરવા ભારત રશિયા પાસેથી પાંચ વધારાની S-400 સિસ્ટમ ખરીદવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે, જેનો સંભવિત સોદો ₹50,000 કરોડથી વધુનો હોઈ શકે છે અને ફાઇટર જેટ, ડ્રોન તથા મિસાઇલો સામે સુરક્ષા કવચ મજબૂત બનાવી શકે છે.

 

દરમિયાન રશિયા દ્વારા અત્યાધુનિક S-500 'પ્રોમિથિયસ' સિસ્ટમ તેમજ ટેક્નોલોજી ટ્રાન્સફર અને ટેક્નિકલ સહયોગની ઓફરની ચર્ચાઓ પણ છે, જે ઝડપી બેલિસ્ટિક મિસાઇલો અને ઊંચાઈ પરના જોખમો સામે સક્ષમ મનાય છે, જોકે તેની ખરીદી અંગે હજુ કોઈ સત્તાવાર કરારની પુષ્ટિ થઈ નથી.

 

વિદેશી ખરીદીની સાથે DRDOનો સ્વદેશી પ્રોજેક્ટ કુશા લાંબા અંતરના હવાઈ અને મિસાઇલ હુમલા અટકાવવા વિકસાવાઈ રહ્યો છે, જેમાં અલગ-અલગ અંતર માટે ત્રણ પ્રકારના ઇન્ટરસેપ્ટર (M1, M2, M3) તૈયાર કરવાની યોજના છે અને 23 જુલાઈ 2026ના રોજ પ્રથમ ઉડાન પરીક્ષણ થયાનો દાવો કરાયો છે.

 

હવે 2028થી 2030 વચ્ચે પ્રોજેક્ટ કુશાના તબક્કાવાર સમાવેશ, સંભવિત S-400 અને S-500 કરારોની પ્રગતિ તેમજ રડાર અને કમાન્ડ નેટવર્કના સંકલન પર સંરક્ષણ જગતની નજર રહેશે.

(8:33 PM IST)