તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
કાર ભાડે આપવાના વ્યવસાય માટે નવી નીતિ લાવવાની તૈયારી
નવી રેન્ટ-એ-કેબ યોજના ૨૦૨૬નો પ્રસ્તાવઃ ગ્રાહકો, ડ્રાઇવરો અને સંચાલકો માટે શું બદલાશે? : વાહનો અને ડ્રાઇવરો માટે કડક નિયમોઃ ગ્રાહકોને ૨૪ કલાક મદદ અને ફરિયાદનો ઝડપી ઉકેલ

નવી દિલ્હી,તા.૧૬: દેશમાં કાર ભાડે આપવાના વ્યવસાય માટે કેન્દ્ર સરકાર નવી નીતિ લાવવાની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા રેન્ટ-એ-કેબ યોજના ૨૦૨૬નો મુસદ્દો (Draft) રજૂ કરવામાં આવ્યો છે. આ યોજના અમલી બનશે તો વર્ષ ૧૯૮૯ના જૂના નિયમોનું સ્થાન લેશે. તેમાં ડ્રાઇવર સાથે અથવા ડ્રાઇવર વગર કાર ભાડે આપતી કંપનીઓને આવરી લેવામાં આવશે. મંત્રાલયે આ મુસદ્દા અંગે સૂચનો અને વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૬ નક્કી કરી છે. પ્રસ્તાવિત યોજના ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી લાગુ કરવાની જોગવાઈ છે, જોકે અંતિમ નિયમો હજુ જાહેર થયા નથી.
નવા મુસદ્દા મુજબ, કેબ ઓપરેટરોએ ૨૪ કલાક કાર્યરત ગ્રાહક સેવા કેન્દ્ર રાખવું પડશે. વેબસાઇટ પર સંપર્કની વિગતો પણ આપવી પડશે. ઓનલાઇન નોંધાયેલી ફરિયાદોનો ૨૪ કલાકમાં ઉકેલ લાવવો જરૂરી બનશે. ડ્રાઇવર સામે નિયમભંગની ફરિયાદ હોય તો તેની તપાસ સાત દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવાસ દરમિયાન કાર બગડે તો કંપનીએ રિપેરિગ અને ટોઇંગની વ્યવસ્થા કરવી પડશે. મુસાફરોને જરૂરી મદદ પણ પૂરી પાડવી પડશે.
ભાડે અપાતી કાર પ્રથમ રજિસ્ટ્રેશનથી નવ વર્ષથી જૂની ન હોવી જોઈએ. તેની પાસે માન્ય ફિટનેસ અને પ્રદૂષણ પ્રમાણપત્ર, વ્યાપક વીમો ,લોકેશન ટ્રેકર અને ફર્સ્ટ એઇડ કિટ હોવી જરૂરી રહેશે. બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે ઓછામાં ઓછી એક સીટ પર ચાઇલ્ડ રિસ્ટ્રેઇન્ટ લગાવવાની સુવિધા પણ આપવી પડશે. કંપનીના ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ, બાકી ચલણ ન હોય અને પોલીસ વેરિફિકેશન થયેલું હોવું જરૂરી રહેશે.
હાલના નિયમોમાં ૫૦ કારની જરૂરિયાત સામે નવા મુસદ્દામાં ઓછામાં ઓછી પાંચ કારથી વ્યવસાય શરૂ કરવાની જોગવાઈ છે. દરેક મંજૂર સ્થળે ઓછામાં ઓછી બે કાર રાખવી પડશે. લાઇસન્સ માટે રૂ. ૨૫ હજાર ફી અને પાંચ વર્ષની માન્યતાની જોગવાઈ છે. અરજી પર નિર્ણય લેવા સત્તાધિકારીઓને ૬૦ દિવસ મળશે. નિયમભંગ બદલ લાઇસન્સની મુદત ઘટાડવા અથવા સસ્પેન્ડ કરવાની જોગવાઈ પણ છે. નવા નિયમો અંતિમ થાય તે પહેલાં ગ્રાહકો અને વ્યવસાયિકો ૫ ડિસેમ્બર સુધી પોતાના સૂચનો રજૂ કરી શકશે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
