<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

કરદાતાઓ માટે એપ્રિલથી ફેસલેસ એસેસમેન્‍ટની તૈયારી

મોટા વેપારીઓ માટે સેન્‍ટ્રલાઈઝ્‍ડ વહીવટ, નાના કરદાતાને ઓનલાઈન સુવિધા : સીબીઆઈસી ટૂંક સમયમાં ડ્રાફ્‌ટ જાહેર કરી સંકળાયેલા લોકો પાસે અભિપ્રાય મંગાવશે

નવી દિલ્‍હી, તા. ર૭ : ઈન્‍કમટેક્‍સમાં ફેસલેસ એસેસમેન્‍ટ કરવામાં આવ્‍યા બાદ પારદર્શિતા વધી છે. તેવી જ રીતે હવે જીએસટીમાં પણ ફેસલેસ એસેસમેન્‍ટ કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તે કામગીરી આગામી એેિપ્રિલ ૨૦૨૭થી શરૂ કરવામાં આવનાર છે.

ેપ્રિસ્‍તાવિત વ્‍યવસ્‍થામાં મોટા વેપારીઓ અને અનેક રાજ્‍યોમાં જીએસટી રજિસ્‍ટ્રેશન ધરાવતી કંપનીઓ માટે સેન્‍ટ્રલાઇઝડ વહીવટી વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવશે. હાલ અનેક રાજ્‍યોમાં અથવા એક જ રાજ્‍યમાં જુદા જુદા જીએસટી અધિકાર ક્ષેત્ર હેઠળ નોંધણી ધરાવતી કંપનીઓને વિવિધ કચેરીઓ સાથે સંકલન કરવું પડે છે. જેના કારણે રજિસ્‍ટ્રેશન, રિટર્નની ચકાસણી, નોટિસ, વિવાદો અને અપીલ સહિતની કામગીરીમાં સમય અને ખર્ચ વધે છે. નવી વ્‍યવસ્‍થામાં આવા મોટા કરદાતાઓને એક જ કેન્‍દ્રિય કચેરી મારફતે જીએસટી સંબંધિત વિવિધ સેવાઓ પૂરી પાડવાનો વિચાર છે. તેમાં રજિસ્‍ટ્રેશન, રિટર્નની સ્‍ફટિની, કર વિવાદોનું એડજયુડિકેશન, રિવ્‍યૂ અને અપીલ જેવી કામગીરીનો સમાવેશ થઈ શકે છે. કંપની પાસે કેટલાં રાજ્‍યોમાં જીએસટી નંબર છે તેના આધારે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવામાંથી છુટકારો મળે તેવા આશયથી ફેસલેસ એસેસમેન્‍ટ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. બીજી તરફ નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને સ્‍થાનિક સ્‍તરે નોંધાયેલા કરદાતાઓ માટે ફેસલેસ આસિસ્‍ટન્‍સ સિસ્‍ટમ અમલમાં મૂકવાની યોજના છે. આ વ્‍યવસ્‍થામાં જીએસટી સંબંધિત નોટિસ, જવાબ, દસ્‍તાવેજો રજૂ કરવા, સુનાવણી અને આદેશની પ્રક્રિયા ડિજિટલ માધ્‍યમથી હાથ ધરવામાં આવી શકે છે. આથી કરદાતાઓએ વારંવાર જીએસટી કચેરીએ હાજર રહેવાની અથવા અધિકારીઓ સાથે રૂબરૂ સંપર્ક કરવાની જરૂરિયાત ઓછી થશે. ટેકનોલોજીના ઉપયોગથી કરવેરા સંબંધિત કામગીરી વધુ ઝડપી અને સુવ્‍યવસ્‍થિત બનાવવાનો પ્રયાસ થશે.

 સૂચનો મંગાવ્‍યા બાદ અંતિમ માળખું તૈયાર થશે

સીબીઆઈસી દ્વારા પ્રસ્‍તાવિત માળખું જાહેર કર્યા બાદ વેપારી સંગઠનો, ઉદ્યોગ મંડળો, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સ, ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ્‍સ અને અન્‍ય નિષ્‍ણાતો પોતાના સૂચનો રજૂ કરી શકશે. આ સૂચનોના આધારે વ્‍યવસ્‍થામાં જરૂરી સુધારા કરવામાં આવશે. હાલ આ યોજના પ્રસ્‍તાવના તબક્કામાં છે. ડ્રાફટ જાહેર થયો નથી અને અંતિમ નિયમો પણ નક્કી થયા નથી, તેથી કરદાતાઓ માટે કઈ પ્રક્રિયા ફરજિયાત બનશે, હાલના કેસોનું શું થશે અને રાજ્‍ય જીએસટી વહીવટ સાથે સંકલન કેવી રીતે થશે તે અંગે આગામી સમયમાં સ્‍પષ્ટતા થવાની શકયતા છે. અંતિમ માળખું તૈયાર થયા બાદ ૧ એપ્રિલ, ૨૦૨૭થી નવું વહીવટી મોડેલ અમલમાં મૂકવાની સંભાવના છે. જો આ વ્‍યવસ્‍થા અમલમાં આવશે તો કરદાતાઓને માટે કાર્યવાહી સરળ બનશે.

જીએસટી વહીવટમાં પારદર્શિતા અને સરળતા લાવવાનો પ્રયાસ

જીએસટી લાગુ થયા બાદ વેપારીઓને વિવિધ રિટર્ન, રજિસ્‍ટ્રેશન, ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ, રિફંડ અને નોટિસ સંબંધિત કામગીરી કરવી પડે છે. વિવિધ અધિકાર ક્ષેત્રો હેઠળ કામગીરી થતી હોવાથી ખાસ કરીને અનેક રાજ્‍યોમાં વ્‍યવસાય ધરાવતા કરદાતાઓને વહીવટી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. ફેસલેસ એસેસમેન્‍ટનો હેતુ કરદાતા અને અધિકારી વચ્‍ચેની સીધી મુલાકાત ઘટાડવા, કામગીરીમાં પારદર્શિતા લાવવા તથા પ્રક્રિયાને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે. સાથે જ મોટા કરદાતાઓ માટે કેન્‍દ્રિય વહીવટી વ્‍યવસ્‍થા દ્વારા વિવિધ કચેરીઓ વચ્‍ચેનું સંકલન સરળ બનાવવાની અપેક્ષા છે. (૩૬.૬)

બે લાખ કરદાતાઓ પાસે એકથી વધુ જીએસટી રજિસ્‍ટ્રેશન

સીજીએસટી હેઠળ નોંધાયેલા અંદાજે ૭૦ લાખ કરદાતાઓમાંથી આશરે બે લાખ કરદાતાઓ એવા છે, જેમની પાસે એકથી વધુ જીએસટી અધિકારક્ષેત્રમાં નોંધણી છે. આ નોંધણી એક જ રાજ્‍યમાં જુદા અધિકારક્ષેત્રોમાં અથવા અલગ અલગ રાજ્‍યોમાં હોઈ શકે છે. આવા વેપારીઓ અને કંપનીઓ માટે હાલ અલગ અલગ વહીવટી તંત્ર સાથે કામ કરવું પડે છે. કેન્‍દ્રિય વ્‍યવસ્‍થા અમલમાં આવે તો એક જ સ્‍થળેથી વિવિધ જીએસટી કામગીરી હાથ ધરવાની સુવિધા મળી શકે છે. ખાસ કરીને મલ્‍ટિ-સ્‍ટેટ બિઝનેસ, મોટા ઉદ્યોગો, કોર્પોરેટ સંસ્‍થાઓ અને અનેક શાખાઓ ધરાવતા વેપારીઓ માટે આ ફેરફાર મહત્ત્વનો બની શકે છે.

નોટિસ, સુનાવણી અને આદેશ માટે રાષ્‍ટ્રીય ડિજિટલ પ્‍લેટફોર્મ

ફેસલેસ સિસ્‍ટમમાં જીએસટી સંબંધિત નોટિસ, સુનાવણી અને આદેશોની પ્રક્રિયા રાષ્‍ટ્રીય સ્‍તરના ડિજિટલ પ્‍લેટફોર્મ મારફતે હાથ ધરવાની દિશામાં વિચારણા છે. આથી જુદા જુદા અધિકાર ક્ષેત્રોના કારણે ઊભી થતી મુશ્‍કેલીઓમાં ઘટાડો થઈ શકે છે અને કરદાતાઓને વધુ સુસંગત પ્રક્રિયા મળી શકે છે. કયા કેસમાં કયા અધિકારી દ્વારા કાર્યવાહી થશે. સુનાવણી કેવી રીતે યોજાશે, દસ્‍તાવેજો રજૂ કરવાની પદ્ધતિ શું રહેશે અને અપીલ માટે કઈ વ્‍યવસ્‍થા રહેશે તે અંગેની વિગતવાર જોગવાઈઓ ડ્રાફટ જાહેર થયા બાદ સ્‍પષ્ટ થશે.

(11:40 AM IST)