<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

IPLમાં વાપસીની તૈયારી: મુસ્તફિઝુર સહિત ૭ બાંગ્લાદેશી ખેલાડીઓએ ઓક્શન માટે નોંધણી કરાવી : જાણો શું હતો ગત વર્ષનો સમગ્ર વિવાદ?

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધ બાદ BCCIના આદેશથી KKRએ મુસ્તફિઝુર રહમાનને ૯.૨૦ કરોડમાં ખરીદ્યા પછી પણ ટીમમાંથી પડતો મૂક્યો હતો

નવી દિલ્હી:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૭ના આગામી મિની ઓક્શન પહેલા ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગત વર્ષે રાજકીય અને ધાર્મિક વિવાદોના વમળમાં ફસાયા બાદ IPLમાંથી બહાર થયેલા બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાને ફરી એકવાર વિશ્વની સૌથી મોટી ટી૨૦ લીગમાં રમવા માટે કમર કસી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે મુસ્તફિઝુર રહમાન સહિત કુલ ૭ બાંગ્લાદેશી ખેલાડીઓએ IPL ૨૦૨૭ના ઓક્શન માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે.


આ ઘટનાક્રમનું મૂળ ગત સિઝન (IPL ૨૦૨૬) સાથે જોડાયેલું છે. ગત વર્ષે શાહરૂખ ખાનની માલિકીની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મુસ્તફિઝુર રહમાનને રૂ. ૯.૨૦ કરોડની જંગી કિંમતે ખરીદ્યો હતો, જેનાથી તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો.

જોકે, તે સમયે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર થયેલા હુમલા અને હિંસાની ઘટનાઓને કારણે ભારતમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વિવિધ ધાર્મિક અને રાજકીય સંગઠનોએ KKR અને શાહરૂખ ખાન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરિણામે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ KKRએ તેને ટીમમાંથી પડતો મૂકવો પડ્યો હતો, જેના કારણે મુસ્તફિઝુરને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું હતું.

જાન્યુઆરી ૨૦૨૬ના આ વિવાદ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે બાંગ્લાદેશી ખેલાડીઓ માટે IPLના દરવાજા લાંબા સમય માટે બંધ થઈ ગયા છે. ત્યારબાદ સુરક્ષાના મુદ્દે બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ પણ વધ્યો હતો. પરંતુ હવે લગભગ ૧૦ મહિના બાદ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. BCCI દ્વારા નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ ક્રિકેટ બોર્ડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેમાં BCBનો પણ સમાવેશ થાય છે.
BCBના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૬ ડિસેમ્બરના રોજ ગોવામાં યોજાનારા IPL મિની ઓક્શન માટે બાંગ્લાદેશના જે ૭ ખેલાડીઓએ નોંધણી કરાવી છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:
મુસ્તફિઝુર રહમાન (ફાસ્ટ બોલર)
તસ્કીન અહેમદ (ફાસ્ટ બોલર)
શોરિફુલ ઈસ્લામ (ફાસ્ટ બોલર)
નાહિદ રાણા (ફાસ્ટ બોલર)
હસન મહમૂદ (ફાસ્ટ બોલર)
રિશાદ હુસૈન (લેગ સ્પિનર)
તૌહીદ હૃદોય (બેટ્સમેન)
રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તૈયાર થનારી અંતિમ શોર્ટલિસ્ટ પર ટકેલી છે. ગત વર્ષના કડવા અનુભવ બાદ ફ્રેન્ચાઇઝી માલિકો આ ખેલાડીઓ પર બોલી લગાવવાનું જોખમ ઉઠાવે છે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે

(12:01 PM IST)