<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

પેટ્રોલ - ડિઝલના ભાવમાં ૩-૩ રૂપિયાનો વધારો

સામાન્‍ય જનતા ઉપર મોંઘવારીનો મિસાઇલ એટેકઃ મધ્‍યપૂર્વનાં ટેન્‍શનની અસરઃ મધ્‍યમવર્ગને મોટો ઝાટકો : આજથી જ નવા ભાવ લાગુઃ દિલ્‍હીમાં પેટ્રોલનો નવો ભાવ રૂા.૯૭.૭૭ તો ડિઝલનો ભાવ રૂા.૯૦.૬૭

નવી દિલ્‍હી તા.૧૫: આંતરરાષ્ટ્રીય સરહદો પર ખેલાઈ રહેલા જંગની સીધી અસર હવે સામાન્‍ય વ્‍યક્‍તિના ખિસ્‍સા પર પડવા લાગી છે. છેલ્‍લા કેટલાક સમયથી ચાલી રહેલી અનિヘતિતા વચ્‍ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. જેના લીધે પ્રજા પર આર્થિક બોજ  વધી ગયો છે. બજારમાં અચાનક આવેલો આ બદલાવ મધ્‍યમ વર્ગ માટે ચિતાનો વિષય બન્‍યો છે. આખરે મોંઘવારીનો આ નવો વંટોળ કઈ દિશામાં જશે તે જોવું રહ્યું ઈરાન અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલી તનાતનીની અસર હવે ભારત પર પડતી જોવા મળી રહી છે. અત્‍યાર સુધી પેટ્રોલના ભાવમાં વધારો નહતો થયો પરંતુ આજે ૧૫મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩ રૂપિયાનો વધારો થયો છે.  આ વધારા બાદ દિલ્‍હીમાં હવે પેટ્રોલનો ભાવ ૯૭.૭૭ રૂપિયા પ્રતિ લીટર થયો અને ડીઝલનો ભાવ ૯૦.૬૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્‍યો છે. મિડલ ઈસ્‍ટમાં યુદ્ધ શરૂ થયા બાદ આવું પહેલીવાર થયું છે કે જ્‍યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ પીએમ મોદીએ દેશની જનતાને ફયૂલ બચાવવાની અપીલ કરી હતી. તેમણે વર્ક ફ્રોમ હોમ અને ખાનગી વાહનોના ઓછા ઉપયોગ પર ભાર મૂક્‍યો હતો. ત્‍યારથી એવા સંકેત મળી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આજે થયેલો ભાવ વધારો તત્‍કાળ પ્રભાવથી લાગૂ થયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા હવે અન્‍ય વસ્‍તુઓના ભાવમાં વધારાની પણ ભીતિ સેવાઈ રહી છે. પહેલા સરકારે સોના પર ઈમ્‍પોર્ટ ડ્‍યૂટી વધારી અને ત્‍યારબાદ અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારા બાદ ગુજરાતના મોટા શહેરોમાં આજે શું ભાવ છે એ પણ જાણો.

અમદાવાદમાં પહેલા પેટ્રોલ ૯૪.૪૯ રૂપિયે હતું જે ૯૭.૫૧ ભાવ થયો જ્‍યારે ડિઝલનો ભાવ પહેલા ૯૦.૧૭ ભાવ હતો જે હવે ૯૩.૨૬ ભાવ થયો પાવર પેટ્રોલમાં ૧૦૩.૦૬ હતા જે હવે ૧૦૬.૦૫ ભાવ થયો. જ્‍યારે સુરતની વાત કરીએ તો ડીઝલનો ભાવ ૯૦.૦૩ રૂપિયા પ્રતિ લીટર હતો જે હવે ૯૩.૧૪ રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્‍યારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૪.૩૪ રૂપિયાથી વધીને ૯૭.૩૫ રૂપિયા થયો છે.

આ ઉપરાંત વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૪.૧૫ રૂપિયાથી વધીને ૯૭.૬૦ રૂપિયા થયો છે. જ્‍યારે ડીઝલનો ભાવ ૮૯.૮૨ રૂપિયાથી વધીને ૯૩.૩૭ રૂપિયા પ્રતિ લીટર  થયો છે જ્‍યારે રાજકોટમાં ડીઝલ પ્રતિ લીટર ૯૦.૭૪ રૂપિયાથી વધીને ૯૩.૦૮ રૂપિયા અને પેટ્રોલનો ભાવ ૯૭.૨૯ રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિહ પુરીએ તાજેતરમાં ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ના વાર્ષિક વ્‍યાપાર સમિટને સંબોધતા જણાવ્‍યું હતું કે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિગ કંપનીઓ (OMCs) ઓછી કિમતે તેલ વેચવાને કારણે દરરોજ રૂા.૧,૦૦૦ કરોડનું નુકસાન કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેલ કંપનીઓ વધુ નુકસાન સહન કરી શકતી નથી. ઇઝરાયલ, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અને ઈરાન વચ્‍ચેના યુદ્ધ પછી કાચા તેલના ભાવમાં વધારો થયો હતો. આ પછી, એવી વ્‍યાપક અપેક્ષા હતી કે તેલ કંપનીઓ ભાવમાં વધારો કરી શકે છે.

શું ભાવ વધુ વધશે?

હજુય કંપનીઓને ૨૫ થી ૩૦ની ખોટ

નવી દિલ્‍હી,તા.૧૫: નિષ્‍ણાતો માને છે કે આ રૂ.૩ નો વધારો પૂરતો નથી. તેમના નુકસાનને સંપૂર્ણપણે દૂર કરવા અને બ્રેક-ઇવન પોઇન્‍ટ સુધી પહોંચવા માટે, એટલે કે કોઈ નફો નહીં, કોઈ નુકસાન નહીં, આ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨૮ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૩૨ નો વધારો કરવાની જરૂર છે. હાલમાં, પેટ્રોલના ભાવમાં ૨૯.૫% ઘટાડો અને ડીઝલના ભાવમાં ૩૬.૫% ઘટાડો થયો છે.

જો ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા પુરવઠાને અસર કરતું રહેશે, તો આગામી દિવસોમાં વધુ વધારો શક્‍ય છે.

 

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધ્‍યા?

નવી દિલ્‍હી,તા.૧૫: આ વધારાનું મુખ્‍ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્‍ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાં ક્રૂડ ઓઇલના ભાવ $૭૦ હતા, જે હવે પ્રતિ બેરલ $૧૦૦ થી વધુ થઈ ગયા છે.ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે તેલ કંપનીઓ દબાણ હેઠળ હતી. તેથી, તેમણે તેમના નુકસાનને પૂર્ણ કરવા માટે આ પગલું ભર્યું છે. જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહે છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  વધુ વધારો  થઈ શકે છે.

 

અન્‍ય ચીજવસ્‍તુઓના ભાવ પણ વધી શકે છે...

નવી દિલ્‍હી,તા.૧૫: ડીઝલના ભાવમાં વધારો સામાન્‍ય માણસના ખિસ્‍સા અને રસોડાને સીધી અસર કરે છે. તેને આ રીતે સમજો

નૂરભાડા વધશેઃ ટ્રક અને ટેમ્‍પોના ભાડા વધશે, જેના કારણે અન્‍ય રાજ્‍યોમાંથી આયાત કરાયેલ શાકભાજી, ફળો અને રાશન મોંઘા થશે.

ખેતી ખર્ચઃ ખેડૂતોને ટ્રેક્‍ટર અને પમ્‍પિંગ સેટ ચલાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે.

બસ અને ઓટો ભાડાઃ જાહેર પરિવહન અને સ્‍કૂલ બસના ભાડામાં પણ વધારો થઈ શકે છે.

(11:29 AM IST)