News of Thursday, 24th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં યોજાશે 'આંગણાનો ઉત્સવ'
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન આંગણવાડી, આશા વર્કર અને હેલ્પર બહેનોનું બહુમાન કરાશે : ભૂલકાંઓને ફળ-કીટ વિતરણ અને માતાઓને કલ્યાણકારી યોજનાઓની અપાશે માહિતી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર રાજ્યમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા. ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં એક દિવસ માટે 'આંગણાનો ઉત્સવ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવશે, તેમ ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત બાળ વિકાસ અને માતા-બાળ આરોગ્ય ક્ષેત્રે પાયાની અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો તથા હેલ્પર બહેનોનું વિશેષ સન્માન કરી તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે. આ ઉપરાંત આંગણવાડીમાં આવતા નાના ભૂલકાંઓને પ્રોત્સાહિત કરવા માટે ફળ તેમજ વિવિધ ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવશે.
'આંગણાનો ઉત્સવ' દરમિયાન આંગણવાડીમાં આવતા બાળકોની માતાઓને ખાસ આમંત્રિત કરવામાં આવશે. ઉપસ્થિત માતાઓને સરકાર દ્વારા કાર્યરત વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની સરળ અને સહજ ભાષામાં વિગતવાર માહિતી આપવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ પરિવારો સરકારી યોજનાઓ અને સુવિધાઓથી માહિતગાર થઈ તેનો સીધો લાભ મેળવી શકે.
રાજ્યભરની આંગણવાડીઓમાં યોજાનાર આ ઉત્સવમાં ભાજપા આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મહિલા મોરચાની બહેનો તેમજ સ્થાનિક કાર્યકરો હાજર રહીને વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર સહભાગી થશે. આ વિશેષ આયોજન દ્વારા બાળ વિકાસ, પોષણ, માતા-બાળ આરોગ્ય અને મહિલા સશક્તિકરણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
