<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

દેશના યુવાનોને નશાના ચંગુલમાંથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેબિનેટ બેઠકમાં ભાવનાત્મક અપીલ : નક્સલવાદની જેમ આ સમસ્યાને પણ જડમૂળથી ડામી દેવા આહ્વાન

નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી સાડા ત્રણ કલાક લાંબી કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં ગરીબી ઉન્મૂલન, નાણાકીય સશક્તિકરણ અને ત્રણ મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન પર વિશેષ મંથન : પચાસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા બાદ ફરીથી પછાત ન પડે તે માટે બચતની સંસ્કૃતિ અપનાવવા ભાર

નવી દિલ્હી: આશિયાન શિખર સંમેલનમાં ભાગ લઈને મનિલાથી દિલ્હી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બુધવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રીપરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ અને વિસ્તૃત બેઠક યોજાઈ હતી. આ લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં દેશમાં દિનપ્રતિદિન વધી રહેલી નશાની સમસ્યા, ગરીબી ઉન્મૂલન, આંતરિક સુરક્ષા અને આર્થિક સુધારાઓ સહિતના અનેક ગંભીર મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

નશાની વ્યાપક સમસ્યા પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવુક થયા:
બેઠક દરમિયાન યુવા પેઢીમાં વધી રહેલી નશાની લતનો મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ગંભીર અને ભાવુક થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે રુંધાયેલા ગળે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશના યુવાનોને દરેક ભોગે નશાના ખરાબ ચંગુલમાંથી બચાવવા જ પડશે. નક્સલવાદ સામે દેશને મળેલી ઐતિહાસિક સફળતાનું ઉદાહરણ ટાંકીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, જો દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો હોય, તો આ દૂષણરૂપી નશાની સમસ્યાને પણ જડમૂળથી સમાપ્ત કરી શકાય છે. આ સાથે તેમણે મંત્રીઓ અને વહીવટી અધિકારીઓને સાવચેત કરતા કહ્યું કે નક્સલવાદ વિરુદ્ધ હાંસલ કરેલી ઉપલબ્ધિઓ જળવાઈ રહે અને તે ફરીથી માથું ન ઉંચકે તેની પૂરતી તકેદારી રાખવી અનિવાર્ય છે.

પચાસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા, બચત પર ભાર:
બેઠકમાં ગરીબી નિવારણના વિષય પર વિસ્તૃત ચર્ચા કરતા વડાપ્રધાને ૨૦૧૪માં સરકાર બન્યા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં આપેલા પોતાના વક્તવ્યને યાદ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આજે દેશમાં અંદાજે ૫૦ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, પરંતુ હવે સૌથી મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે આ નાગરિકો ફરીથી ગરીબીના દુષચક્રમાં ન ફસાય. આ માટે ભારતીય સમાજની પરંપરાગત બચત કરવાની આદતને વધુ મજબૂત કરવા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે આપણી સંસ્કૃતિ માત્ર ખાવા-પીવાની નથી રહી, પરંતુ મુશ્કેલ સમય માટે બચત કરવી એ આપણા સ્વભાવનો મુખ્ય હિસ્સો છે.

મંત્રીપરિષદની બેઠકમાં રજૂ થયા ત્રણ મોટા પ્રેઝન્ટેશન:
આ બેઠક દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓની સમીક્ષા માટે ત્રણ સવિસ્તર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા:

૧. ગરીબી ઉન્મૂલન અંગેનું પ્રેઝન્ટેશન: વિશ્વ બેંકના અહેવાલને ટાંકીને ૧૧ મંત્રાલયો અને વિભાગોના સચિવો દ્વારા પ્રસ્તુતિ કરાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, હર ઘર જલ, ઉજ્જવલા યોજના, ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) અને ડિજિટલ માળખાકીય વિકાસે ગરીબી ઘટાડવામાં ભજવેલી ભૂમિકાની સરાહના કરાઈ હતી.

૨. નક્સલ મુક્ત ભારત: દેશને આતંક અને નક્સલવાદથી મુક્ત કરવા માટે અત્યાર સુધી ઉઠાવેલા કદમ અને ભવિષ્યની રણનીતિ પર સમીક્ષા કરાઈ.

૩. જનધન યોજના અને નાણાકીય સશક્તિકરણ: સામાન્ય જનતાને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાના પગલાંઓનું મૂલ્યાંકન કરાયું.

ઉપરાંત, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી 'ચિંતન બેઠક'માં નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યોની પ્રગતિ તેમજ વહીવટી અને આર્થિક સુધારાઓની દિશામાં થયેલી કામગીરીનું પણ સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

(6:04 PM IST)