News of Wednesday, 24th June 2026
ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સરકારી ધોરણે ફી વસૂલવા દબાણ ન કરી શકાય, આત્મનિર્ભર કોલેજો બંધ થશે તો દેશમાં ડોક્ટરોની અછત સર્જાશે: સુપ્રીમ કોર્ટ
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે વાર્ષિક ૮ લાખની આવક મર્યાદા અને પ્રાઇવેટ કોલેજોની લાખો રૂપિયાની ફી વચ્ચેના વિરોધાભાસ અંગેની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી; હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું કે અનામત માત્ર એડમિશન પૂરતી સીમિત, સબસિડીવાળી ફી મેળવવાનો કોઈ કાનૂની અધિકાર નથી

નવી દિલ્હી, : દેશની ખાનગી મેડિકલ કોલેજોમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના વિદ્યાર્થીઓ માટે સરકારી કોલેજો જેવી જ રાહતદરે ફી નક્કી કરવાની માંગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી છે. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સેલ્ફ-ફાઇનાન્સ (આત્મનિર્ભર) ધોરણે ચાલતી ખાનગી સંસ્થાઓને સરકારી સંસ્થાઓ સમકક્ષ ફી રાખવા માટે કાયદાકીય રીતે મજબૂર કરી શકાય નહીં. જો આવી સંસ્થાઓ પર સરકારી ફીનું ભારણ લાદવામાં આવશે, તો તબીબી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારોને મદદરૂપ થતી ખાનગી કોલેજો બંધ થઈ જશે, જેનાથી દેશમાં ડોક્ટરો તૈયાર કરવાની પ્રક્રિયા અટકી જશે અને ચિકિત્સકોની મોટી અછત ઊભી થશે.
સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન હાઈકોર્ટના અગાઉના આદેશને સંપૂર્ણપણે માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે બંધારણીય જોગવાઈઓ મુજબ EWS અનામતનો લાભ માત્ર પ્રવેશ (એડમિશન) પ્રક્રિયાના સ્તર સુધી જ મર્યાદિત છે. આ કેટેગરી હેઠળ પ્રવેશ મેળવવાનો અર્થ એવો બિલકુલ નથી થતો કે વિદ્યાર્થી ખાનગી સંસ્થામાં સબસિડીવાળી કે સરકારી દરની ફી મેળવવાનો કાનૂની અધિકાર ધરાવે છે. ખાનગી સંસ્થાઓને પોતાની નિયત ફી માળખું અમલમાં મૂકવાની છૂટ છે, જ્યાં સુધી તેઓ કેપિટેશન ફી (ડોનેશન) નથી લેતા.
આ સમગ્ર વિવાદ રાજસ્થાનના એક વિદ્યાર્થી હર્ષવર્ધન સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીથી શરૂ થયો હતો. અરજીકર્તાએ દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ EWS કેટેગરીનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા ₹૮ લાખ નક્કી કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજોમાં વાર્ષિક ટ્યુશન ફી ₹૧૮.૯ લાખથી લઈને ₹૨૫ લાખ સુધીની છે. અરજીકર્તાના મતે, જે પરિવારની કુલ આવક જ વર્ષે ૮ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય, તે પરિવાર માટે ૨૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક ફી ચૂકવવી વ્યવહારિક રીતે અશક્ય છે. આથી આવી મોંઘી ફીના કારણે આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામતની જોગવાઈ માત્ર કાગળ પર જ અર્થહીન બનીને રહી જાય છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ દલીલો સાંભળ્યા બાદ મૌખિક ટિપ્પણી કરી હતી કે સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ વચ્ચે એક મોટો અને મહત્વનો તફાવત છે. સરકારી કોલેજોને ચલાવવા માટે સરકારી તિજોરીમાંથી સીધી આર્થિક સહાય કે ગ્રાન્ટ મળતી હોય છે, જ્યારે ખાનગી સંસ્થાઓ સંપૂર્ણપણે સ્વનિર્ભર મોડેલ પર કામ કરે છે. અદાલતે ઉમેર્યું કે દેશમાં કેપિટેશન ફી લેવા પર ચોક્કસપણે પ્રતિબંધ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ખાનગી કોલેજો ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલી નિયમિત શૈક્ષણિક ફી પણ ન વસૂલી શકે.
વિદ્યાર્થીઓની આર્થિક અસમર્થતા અને ફી ચૂકવવાની મુશ્કેલીઓ અંગે સર્વોચ્ચ અદાલતે રસ્તો બતાવતા જણાવ્યું હતું કે, જો કોઈ વિદ્યાર્થી પ્રાઇવેટ કોલેજની ફી ચૂકવવા માટે સક્ષમ ન હોય, તો તેણે શૈક્ષણિક લોન, સરકારી સ્કોલરશિપ (શિષ્યવૃત્તિ) અથવા અન્ય નાણાકીય સહાય યોજનાઓનો આશરો લેવો જોઈએ અથવા તો સરકારી કોલેજની બેઠક મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હાઈકોર્ટના ચુકાદામાં દખલ કરવાનો ઇનકાર કરીને સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે, જોકે આ મામલા સાથે જોડાયેલા કાયદાકીય પ્રશ્નોને ભવિષ્ય માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
