<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

દેશમાં મહિલાઓ સામે હિંસા અને ક્રૂરતા વધતા પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કરી ચિંતા: "મહિલા સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય તો મોટી યોજનાઓનો કોઈ અર્થ નથી!"

બિહાર અને દિલ્હીમાં છેડતીની ઘટનાઓ બાદ વાયનાડથી પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આકરા પાણીએ લીધી: જાહેર સ્થળો પર સુરક્ષા માટે નક્કર પગલાં લેવા આગ્રહ

વાયનાડ, તા.૨૨: બિહાર અને દિલ્હીમાં તાજેતરમાં મહિલાઓ સામે છેડતી અને ગુનાખોરીના બનેલા બનાવો બાદ દેશમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે વાયનાડના કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વાયનાડમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ જાહેર સ્થળોએ મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક નક્કર અને આકરાં પગલાં ભરે.

 

પ્રિયંકા ગાંધીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓ સામેના ગુનાઓમાં માત્ર વધારો જ નથી થઈ રહ્યો, પરંતુ હિંસાનું સ્વરૂપ વધુ ને વધુ ક્રૂર અને ભયાનક બની રહ્યું છે. મહિલાઓ માટેનું વાતાવરણ પહેલેથી જ અસુરક્ષિત હતું અને દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

 

મોટી યોજનાઓ અને કાર્યક્રમોનો કોઈ અર્થ નથી

 

સરકારોની નીતિઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "જો આપણે આપણી દેશની મહિલાઓને રસ્તાઓ અને જાહેર સ્થળો પર સુરક્ષા ન આપી શકીએ, તો મહિલાઓ માટે બનાવવામાં આવતી મોટી મોટી યોજનાઓ અને કાર્યક્રમો વિશે વાત કરવાનો કોઈ જ અર્થ સરતો નથી." તેમણે ઉમેર્યું કે આ એક એવો ગંભીર વિષય છે જેના પર પક્ષપાત ભૂલીને સમગ્ર દેશે વિચારવાની જરૂર છે.

 

રાજ્ય અને ખાસ કરીને કેન્દ્ર સરકારે એ બાબતે ગંભીરતાથી મંથન કરવું જોઈએ કે મહિલાઓ મુક્તપણે અને અસુરક્ષાના ભય વગર જીવી શકે તે માટે કેવા પ્રકારના નક્કર પગલાં અને કાયદાકીય કડક અમલવારી જરૂરી છે. પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ દેશભરમાં મહિલા સુરક્ષા અંગે ફરી એકવાર નવી ચર્ચા છેડાઈ છે.

(5:02 PM IST)