News of Friday, 27th November 2026
વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે: નેપાળ સરકારના નવા કડક નિયમોથી નાની એજ્યુકેશન એજન્સીઓ પર તાળા લાગવાનું જોખમ
NPR 2.5 મિલિયનની ફરજિયાત સિક્યોરિટી ડિપોઝિટ, વાર્ષિક લાઇસન્સ રિન્યુઅલ અને વિદેશી રોકાણ પર પ્રતિબંધ; ECAN દ્વારા નિયમો હળવા કરવાની માંગ, બિન-નોંધાયેલા એજન્ટો તરફ વિદ્યાર્થીઓ વળવાની દહેશત

કાઠમંડુ, તા. ૨૭: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન પૂરું પાડતી શિક્ષણ સલાહકાર સંસ્થાઓ (એજ્યુકેશન કન્સલ્ટન્સી) પર નેપાળ સરકારના નવા કડક નિયમોની મોટી અસર પડી શકે છે. જુલાઈ 2026માં નેપાળના મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા આ નિયમો હેઠળ એજન્સીઓ માટે NPR 2.5 મિલિયન (આશરે £13,000) ની ફરજિયાત સુરક્ષા ડિપોઝિટ, NPR 50,000 (આશરે £260) ની લાઇસન્સ ફી અને દર વર્ષે લાઇસન્સ રિન્યુઅલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઓફિસ પરિસરની માલિકી અથવા ઓછામાં ઓછા ત્રણ વર્ષના લીઝ તેમજ રૂમના કદ અને બિલ્ડિંગ ડિઝાઇન સંબંધિત કડક શરતોને કારણે નાની એજન્સીઓ વ્યવસાયમાંથી બહાર ફેંકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
એજ્યુકેશનલ કન્સલ્ટન્સી એસોસિએશન ઓફ નેપાળ (ECAN) ના પ્રતિનિધિ બિકલ્પ રાજ પોખરેલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઓફિસ ભાડું, પગાર અને કરવેરાના બોજ વચ્ચે આટલી મોટી ડિપોઝિટની વ્યવસ્થા કરવી નાની અને નિયમપાલન કરતી સંસ્થાઓ માટે અશક્ય બની શકે છે. તેમણે ચેતવણી આપી છે કે જો નાની એજન્સીઓ બંધ થશે તો વિદ્યાર્થીઓ બિન-નોંધાયેલા સલાહકારો, સોશિયલ મીડિયા એજન્ટો અને ઓફશોર ઓનલાઈન પ્લેટફોર્મ પર નિર્ભર બનશે, જે વધુ જોખમી સાબિત થઈ શકે છે. ECAN એ ફિક્સ્ડ ડિપોઝિટને બદલે એજન્સીના કદ મુજબની ડિપોઝિટ અથવા પર્ફોર્મન્સ બોન્ડ રાખવા તેમજ લાઇસન્સની મુદત પાંચ વર્ષ કરવા માંગ કરી છે.
નવા નિયમોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને પારદર્શિતા પર પણ ભાર મૂકાયો છે, જે મુજબ તમામ ફી વ્યવહારો બેંકિંગ કે માન્ય ડિજિટલ માધ્યમથી કરવા ફરજિયાત છે અને જો ગેરમાર્ગે દોરનારી સલાહથી વિદ્યાર્થી વિદેશમાં ફસાય તો એજન્સીએ વળતર ચૂકવવું પડશે. સાથોસાથ, શિક્ષણ કન્સલ્ટન્સીમાં વિદેશી રોકાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વિદેશી હિસ્સો ધરાવતા વ્યવસાયોને એક વર્ષમાં નેપાળી નાગરિકોને માલિકી ટ્રાન્સફર કરવા જણાવાયું છે.
આ ફેરફારો નેપાળી વિદ્યાર્થીઓની ભરતી કરતી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને કોલેજો માટે પણ મહત્વના બન્યા છે, કારણ કે હવે તેમણે શિક્ષણ મેળા કે પ્રવેશ પ્રક્રિયા પહેલાં સ્થાનિક ભાગીદારોના લાઇસન્સ અને માલિકીની સ્થિતિ ચકાસવી પડશે. નિયમોમાં એજન્સીઓ માટે A, B અને C ગ્રેડિંગની જોગવાઈ પણ કરાઈ છે, જેના માપદંડો અંગે ઉદ્યોગ જગતે સરકાર પાસે વધુ સ્પષ્ટતા માંગી છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
